અંજાર તાલુકાના ગામોમાં મતદારોની કતાર લાગી

અંજાર તાલુકાના ગામોમાં મતદારોની કતાર લાગી
ગાંધીધામ, તા. 28 : અંજાર  તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની બેઠકની ચૂંટણીને લઈને આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. લોકશાહી પર્વના દિને આ પંથકના વિભિન્ન મતદાન મથકોએ મતદારોની  લાંબી-લાંબી લાઈનો લાગી  હતી, તો કેટલાક મથકોમાં છૂટાછવાયા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરીને રાષ્ટ્રનિર્માણમાં  પોતાનું  યોગદાન આપ્યુ હતું.મતદાનના અંતે અંજાર તાલુકામાં કુલ્લ 65.12 ટકા મતદાન થયુ હતું. અંજાર તાલુકા પંચાયતની  20 બેઠક અને જિલ્લા પંચાયતની ચાર બેઠકમાં પોતાની પસંદગીના  ઉમેદવારોને મોકલવા માટે  મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે સવારે 8 વાગ્યાના અરસામાં મોટી નાગલપરમાં મતદાન મથકો  મતદાતાઓની રાહ જોઈ રહ્યા  હોવાનું ચિત્ર ઉપસ્યું હતું. સવારે 8.30 વાગ્યે ખંભરામાં ફિક્કો ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં શરૂઆતના તબક્કે પુરુષોની સરખામણીએ મહિલાઓ મતદાનમાં પાછળ જોવા મળી હતી.  મતદાનના પ્રથમ બે કલાક બાદ મીંદિયાળામાં મતદારો  પોતાના મતદાનનું સ્થળ  શોધવામાં વ્યસ્ત બન્યા હતા. આ ગામમાં મતદાન કુટિરો બહાર  લાઈનો ઓછી જોવા મળી હતી. કોરોનાની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન થતું હોવાનું નજરે ચડયું હતું. મોટી ખેડોઈમાં  મતદારોની લાંબી-લાંબી  લાઈનો વચ્ચે મતદાન કરવાના સ્થળ અંગે નાગરિકો અવઢવમાં દેખાયા હતા. રાજકીય  અગ્રણીના હબ તરીકે ઓળખાતા રતનાલ તથા આજુ-બાજુના વિસ્તારોમાં લોકશાહી પર્વનો માહોલ જામ્યો હતો. મેઘપર બોરીચી અને કુંભારડી વિસ્તારમાં મતાધિકારનો ઉપયોગ  કરવા ઈચ્છુકોને પોતાનું મતદાન મથક શોધવા માટે ભારે વ્યાયામ કરવો પડયો હોવાની  બૂમ પડી હતી. સવારે 11 વાગ્યા સુધી કુલ 20 ટકા મતદાન નોંધાયુ હતું. ગ્રામ્ય વિસ્તારોમાં  વાલીઓ પોતાના બાળકો સાથે લઈને આવ્યા હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. સતાપર, લાખાપર, ખારાપસવારિયા, વરસામેડી સહિતના સ્થળોએ  હોંશભેર લોકોએ  પોતાના કિંમતી મતનો પ્રયોગ કર્યો હતો.બપોરે એક વાગ્યા સુધી 37.56 ટકા મતદાન, ત્રણ વાગ્યા સુધી 47.80 ટકા મતદાન થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. સુગારિયામાં   ઈવીએમ મશીનમાં ખામી સર્જાતાં થોડી ક્ષણો માટે મતદાન અટકયા બાદ રાબેતા મુજબ રહ્યુંy હતું. કોરોનાને લઈને માસ્ક, સેનિટાઈઝર, મોજાં પહેરવા સહિતની પ્રક્રિયાને લઈને અમુક લોકોએ મતદાન ટાળ્યું હોવાનો  ગણગણાટ સાંભળવા મળ્યો હતો.મતદાન બાદ તાલુકા પંચાયતની 20 બેઠકોમાં કુલ 48 ઉમેદવારોના તથા જિલ્લા પંચાયતની ચાર બેઠકમાં  કુલ 11 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં બંધ થયા હતા. મતદાનના અંતમાં  કુલ 117181 મતદારો પૈકી પુરુષો 40383 અને મહિલા 35930 સાથે કુલ 76313 લોકોએ  મતપ્રયોગ કરતાં 66.87 ટકા મત પડયા હતા. રાજ્યમંત્રીએ રતનાલમાં મતદાન કર્યું : ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે અમૂલ્ય મત આપી લોકશાહીના પર્વને મતાધિકારનો ઉપયોગ કરી ઊજવીએ એમ રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે જણાવ્યું હતું. કચ્છમાં જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને પાંચ નગરપાલિકાઓની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે લોકો ઉત્સાહભેર મતદાન કરતા જોવા મળી રહ્યા હતા ત્યારે માદરે વતન રતનાલ ખાતેથી સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે મતદાન કર્યું હતું. પત્ની કંકુબેન સાથે સપરિવાર સવારે મતદાનની પવિત્ર ફરજ નિભાવ્યા બાદ રાજ્યમંત્રીએ દરેકે તેમને મળેલા મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવાની અપીલ કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer