દેશલપરમાં સન્નાટો, ગ્રામજનોએ કર્યો મતદાન બહિષ્કાર

દેશલપરમાં સન્નાટો, ગ્રામજનોએ કર્યો મતદાન બહિષ્કાર
ભુજ, તા. 28 : જે ગામમાં સંપ અને સંગઠન હોય એ ગામના લોકો વખત આવે એક થઇને જવાબ આપી શકે છે. આવો જ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન વખતે ભુજ તાલુકાના રોડ ટચ એવા દેશલપર (વાંઢાય) ગામે કિસ્સો બન્યો હતો. કલેક્ટર દ્વારા ફાળવવામાં આવેલી 30 ગુંઠા જમીન મામલે ગ્રામજનો દ્વારા મતદાન બહિષ્કારની આપેલી ચેતવણી માત્ર ચેતવણી નહીં પરંતુ હકીકત બની ને અંદાજે 2900 મતમાંથી એક પણ મત પડયો ન હતો. કચ્છના ઇતિહાસમાં આધોઇ - લુડિયા પછીનો આ ત્રીજો બનાવ છે.દેશલપર ગામે સ્વયંભૂ બંધ પાળીને સ્વૈચ્છિક લોકડાઉન અમલમાં મૂકી કોઇએ મતદાન નહીં કરવાનો નિર્ણય લેતાં ચૂંટણી તંત્રે તો જાણે કોઇ ગંભીરતા લીધી ન હતી. `કચ્છમિત્ર'ની ટીમ જ્યારે હકીકત જાણવા દેશલપર પહોંચી ત્યારે રાત-દિવસ ધમધમતા ગામમાં સન્નાટો છવાયેલો રહ્યો હતો. ચા તો ઠીક અહીંથી પસાર થતા વાહનચાલકોને પાણી પણ મળી શક્યું ન હતું એટલી હદે ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. યુવા મહિલા સરપંચ મનીષાબેન ભગત આજે રવિવાર હોવા છતાં ગ્રામ પંચાયત કચેરીમાં પહોંચી આવ્યા ને કહ્યું,મતદાન માટે નહીં આમેય કોઇ ગ્રામજને બહાર પણ નહીં નીકળવાનું નક્કી કર્યું છે. ખરેખર શા માટે નારાજગી છે એ વાત પૂછતાં સરપંચે જણાવ્યું હતું કે, ગામથી ત્રણ કિ.મી. દૂર 230 સર્વે નંબરમાં ભુજ તરફ એક ખાનગી ગાંધીધામની સંસ્થાને શાળા કે મહિલાઓ માટેની પ્રવૃત્તિ કરવા માટે કલેક્ટરે 30 ગુંઠા જમીન ફાળવી છે. જમીન ફાળવવામાં આવી તેની સામે કોઇ વાંધો નથી પરંતુ ત્યાં અમારો ગ્રા.પં.નો બોર છે, પાછળ તળાવ-વથાણ છે એટલે આ સ્થળે નહીં આપવા માગણી કરી છે. ક્યાંય કોઇ ગ્રામ પંચાયતને વિશ્વાસમાં લીધા વગર જગ્યા ફાળવી દેવાઇ. રકમ પણ ભરપાઇ થઇ ગઇ છે. ગ્રામજનોનો વિરોધ છે અને આ માટે દરેક સમાજની બે-બે વ્યક્તિઓની એક લડત સમિતિ પણ બનેલી છે.આ નિર્ણયના વિરોધમાં અગાઉ પણ ગામે બંધ પાળ્યો, કલેક્ટરને રજૂઆત કરી છે પરંતુ કલેક્ટરે નિર્ણય રદ કરવાને બદલે ટ્રસ્ટ સાથે સમાધાન કરવા અમને બોલાવ્યા પણ ટ્રસ્ટે જિદ્દ કરી કે અમને ફાળવાયેલી જગ્યા જ જોઇશે, તેઓ સંમત નથી. કોને જમીન ફાળવાઇ છે ? આ સવાલ સાથે મનીષાબેને કહ્યું કે, કચ્છ ધણિયાણી મા આશાપુરા ટ્રસ્ટને જમીન ફાળવાઇ?છે અને અત્યાર સુધી આ સંસ્થા પદયાત્રિકો માટે સેવા કેમ્પ કરે છે. ગ્રા.પં. દ્વારા અત્યાર સુધી તેમને પાણી પણ?આપવામાં આવ્યું છે પરંતુ હવે આ સ્થળે સેવા કેમ્પ પણ ખુદ ગ્રામ પંચાયત કરશે. સરપંચ સાથે ઉપસ્થિત ગ્રા.પં.ના સભ્ય અને લડત સમિતિમાં જોડાયેલા પ્રેમજીભાઈ મહેશ્વરી સરપંચની વાતમાં સૂર પુરાવતાં કહે છે કે અમારા ગામનો તો એક મત નહીં પડે પણ જ્યાં સુધી નિર્ણય રદ નહીં થાય ત્યાં સુધી ક્યારેય મતદાન નહીં કરીએ. સમજાવટના પ્રયાસો થયા એ મુદ્દે તેઓએ કહ્યું કે હા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, સાંસદ વિનોદભાઈ ચાવડાએ પ્રયાસ કર્યો પણ કોઈ ખાતરી નથી આપતા. મામલતદાર પણ કાલે રાતના આવ્યા, આજે સવારથી 2900ના મોટા મતદાનમાં કોઈએ મતદાન નથી કર્યું તો મામલતદાર કે અન્ય કોઈ અધિકારી સાડા ત્રણ વાગવા આવ્યા કોઈ નથી આવ્યું. પ્રેમજીભાઈ તો ગુસ્સે થઈ ગયા ને કહ્યું કે, હવે જરૂર પડયે માથા આપી દેશું પણ જમીન તો નહીં જ આપીએ. ચાલુ વરસના અંતે ગ્રામ પંચાયતની ચૂંટણી છે, અમારી લડત ચાલુ જ રહેશે. ગ્રામ પંચાયતના અન્ય સભ્ય સુરેશભાઈ વાસાણીએ જણાવ્યું કે, હવે તો પંચાયતે ઠરાવ કર્યો છે અમે આ સ્થળે સેવા કેમ્પ કરીશું. `કચ્છમિત્ર'ની ટીમ ગ્રામજનોને મળ્યા બાદ પ્રાથમિક શાળામાં જ્યાં મતદાન બૂથ છે ત્યાં પહોંચી તો ત્રણેય બૂથમાં પોલિંગ સ્ટાફ મતદારોની રાહ જોઈ બેઠો હતો. મતદારો હતા પણપોલીસવાળા વધુ હતા. અહીંના 2 નંબરના બૂથમાં 973 મતો છે, જેમાં વાંઢાયના મતદારો જોડાયેલા છે એ 39 મત પડયા હતા. 4 વાગ્યા સુધીમાં 1 નંબરમાં 968માંથી અને 3 નંબરમાં 971માંથી એકેય મત માટે બટન દબાવાયું ન હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છના ઈતિહાસમાં અગાઉ ભચાઉ તાલુકાના આધોઈ ગામે પણ મતદાનનો બહિષ્કાર કર્યો હતો, જ્યાં એક માત્ર મતને બાદ કરતાં પેટીઓ ખાલી રહી હતી. 1996ની લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસે દિનેશભાઈ ત્રિવેદીને ટિકિટ આપતાં વિરોધમાં કચ્છી માજી સાંસદ હરિભાઈ પટેલના ગામમાં માત્ર એક મતને બાદ કરતાં પેટીઓ ખાલી નીકળી હતી. તો 201પમાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પચ્છમના લુડિયા ગામે પણ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. 1068 મતમાંથી શૂન્ય મત મળ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer