કચ્છમાં જિલ્લા-તાલુકા પંચાયત માટે 63 ટકા મતદાન

કચ્છમાં જિલ્લા-તાલુકા પંચાયત માટે 63 ટકા મતદાન
ભુજ, તા. 28 : જિલ્લા-તાલુકા પંચાયત અને પાંચ સુધરાઈઓનાં ગઠન માટે આજે કચ્છ જિલ્લાના શહેરી-ગ્રામ્ય ક્ષેત્રના મતદારોએ તાપ, કોરોનાની અસર તળે મતદાન કર્યું હોય તેમ જિલ્લા પંચાયતની 40 બેઠક માટે 63.37 ટકા, તાલુકા  પંચાયતોમાં સરેરાશ 63.37 ટકા અને પાંચ સુધરાઈઓમાં સરેરાશ 50.82 ટકા મતોનું દાન કરી માર્ચના પ્રારંભ પહેલાં જ હિસાબો ચૂકતે કરી દીધા હતા. વીતેલા પાંચ વર્ષનાં કામ પરથી થયેલા લેખાંજોખાંનો સાચો હિસાબ બીજી માર્ચ મંગળવારે મતગણતરી વખતે જ પાધરો થશે. જિલ્લાભરમાં કચ્છની તાસીર મુજબ સંપૂર્ણ શાંતિપૂર્વક લોકશાહીના યજ્ઞની પૂર્ણાહુતિ થઈ હતી. વિદાય લેતા શિયાળાની ગુલાબી ઠંડી અને આવતાંવેંત જ અંગ દઝાડતો મહા માસનો તાપ તથા ફરી વધવા મંડેલા કોરોના સંક્રમણના ભય વચ્ચે આજે સવારે 7થી સાંજના છ વાગ્યા સુધી વિક્રમી એવા 11 કલાક સુધી મતદાન ચાલ્યું હતું પણ વધેલા કલાકોની અસર મતદાનની ટકાવારી પર પડી નહોતી. કારણ કે છેલ્લે 2015માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે કચ્છમાં મતદાનની ટકાવારી 66.30 ટકા નોંધાઈ હતી. પાંચ જ વર્ષમાં મતદાનની ટકાવારી 2.93 ટકા ઘટી હતી. ઉલ્લેખનીય છે કે 2015 પહેલાં 2010માં જ્યારે જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી થઈ ત્યારે પણ  ટકાવારી 64.43 નોંધાઈ હતી. આમ વીતેલા દાયકાનું આજે સૌથી ઓછું મતદાન નોંધાયું હતું. કચ્છને મળેલી મુંદરા-બારોઇ સુધરાઇના મતદારોએ આજે ગ્રામપંચાયતમાંથી નગરપાલિકામાં કરેલા પ્રવેશને ઊમળકાભેર વધાવીને પ્રથમ ચૂંટણીમાં જ 70.08 ટકા જેટલું ભારે મતદાન કરી દીધું હતું. ભુજ સુધરાઇ માટે 49.41 ટકા, માંડવીમાં 63.35 ટકા, અંજારમાં 54.60 ટકા અને ગાંધીધામ નગરપાલિકા માટે 44.61 ટકા અર્થાત જિલ્લાની સુધરાઇઓમાં સૌથી ઓછું મતદાન થયું હતું. શહેરી મતદારોની સંખ્યાની દૃષ્ટિએ જોઇએ તો 4,29,450 મતદારોમાંથી આજે 2,18,259 જણે મતનું દાન કરતાં સરેરાશ પાંચ સુધરાઇઓની?ટકાવારીનો આંક 50.82 ટકા નોંધાયો હતો. નગરપાલિકાઓના ચૂંટણી ઇતિહાસનાં પાનાં ફેરવીએ તો છેલ્લે 2015માં ભુજ સુધરાઇ માટે 55.74 ટકા, અંજારમાં 58.06 ટકા, ગાંધીધામમાં 50.34 ટકા અને બંદરીય માંડવી સુધરાઇમાં 66.42 ટકા મતદાન થયું હતું. આમ તો 2010માં ભુજમાં 49.06, અંજારમાં 60.72, ગાંધીધામમાં 45.42 અને માંડવીમાં 62.15 ટકા મત પડયા હતા. આમ, આજનું મતદાન 2010ની ચૂંટણીને મળતું આવે છે. 10 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 40 બેઠક માટે થયેલા મતદાન પર એક દૃષ્ટિપાત કરીએ તો ગ્રામ્ય ક્ષેત્રના કુલ 10,52,882 મતદારોમાંથી 6,67,301 જણે આજે ઇવીએમમાં બટન દબાવતાં તાલુકા  પંચાયતમાં  મતદાનની  ટકાવારી   66.37 અને જિલ્લા પંચાયતમાં 63.24 ટકા નોંધાઇ હતી. જિલ્લા પંચાયત માટે કુલ 10,75,381 મતદારોમાંથી 6,80,052 જણે મતદાન કર્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer