માંડવીમાં શહેરીઓએ દેખાડયો ઉત્સાહ

માંડવીમાં શહેરીઓએ દેખાડયો ઉત્સાહ
માંડવી, તા. 28 (પ્રતિનિધિ દ્વારા) : બંદરીય શહેર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં આજે નવ વોર્ડમાં સમાવિષ્ટ 36 બેઠકનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. 20,908 પુરુષો અને 20,860 મહિલા મતદારો મળીને એકંદર 41,768માંથી 13,281 પુરુષ અને 13,178 ત્રીઓ સાથે   મતદાતાઓ ભાગ્યવિધાતા બન્યા હતા. એકંદરે સરાસરી મતદાન 63.35 ટકા નોંધાયું હતું. સૌથી વધુ મતદાનનો આંકડો વોર્ડ નં. 6માં 68.11 ટકા રજિસ્ટર્ડ થયો હતો. લઘુતમ ટકાવારી વોર્ડ નં. પાંચમાં 56.91 ટકા રહી હતી. શહેરમાં પુરુષો અને મહિલાઓના મતદાનની ટકાવારી લગભગ સરખી નોંધાઇ હતી. આજે સવારે નવ વોર્ડના 63 બૂથો ઉપર પ્રતિનિધિઓની ચૂનાવી પ્રક્રિયા હાથ ધરાતાં આરંભિક બે કલાક દરમ્યાન 7.76 ટકાવારી જાણવા મળી હતી. બપોરે 11 લગી આ આંકડો ઊંચકાઇને  22.10 ટકા ઉપર પહોંચ્યો હતો. લઘુમતી બાહુલ્યવાળા વોર્ડ-3, વોર્ડ-4, વોર્ડ-6 અને વોર્ડ-5 પૈકી સલાયા વિસ્તારને બાદ કરતાં અન્ય વોર્ડ ઉપર 60 ટકાને આંબી જવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટા સલાયાને સમાવતો વોર્ડ-5 શરૂઆતથી જ મતદાનમાં પ્રમાણમાં ઓછો ઉત્સાહિત જોવા મળ્યો હતો. આખરી ચરણ લગી વોર્ડ-પાંચ બોટમ ઉપર રહ્યો હતો. વોર્ડ-4માં આજે બપોરે બે રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે મતદારોને કથિત નાણાકીય લેતી-દેતી બાબતે માથાકૂટ જાણવા મળી હતી. દિવસ દરમ્યાન કોઇ અપ્રિય ઘટના પ્રકાશમાં આવી નહીં હોવાનું  ચૂંટણી અધિકારી ગૌરવ પ્રજાપતિ અને મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી બારોટે કહ્યું હતું. શહેરના વોર્ડ-6માં સમાવિષ્ટ એક બૂથ (શેઠ  ર. મૂ. કન્યાશાળા) ખાતે 102 વર્ષનાં હલીમાબાઇ રમજાન મેર લોકશાહી પર્વને દીપાવવા સહાયકોના ટેકે પ્રતિનિધિ માટે ભાગ્યવિધાતા બનતાં નિરુત્સાહી અને મતદાનથી વેગળા રહેતા યુવા મતદારો માટે ધડો લેવા જેવી ઘટના જાણવા મળી હતી. બપોર પછીના કલાકો દરમ્યાન પ્રમાણમાં વધારે મતદારોએ ઉત્સાહ બતાવ્યો હતો. જો કે, અપવાદો સિવાય મોટી લાઇનો જોવા મળી નહોતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer