ચુસ્ત પહેરા વચ્ચે અંજારમાં શાંતિપૂર્ણ મતદાન

ચુસ્ત પહેરા વચ્ચે અંજારમાં શાંતિપૂર્ણ મતદાન
અંજાર, તા. 28 : આ ઐતિહાસિક શહેરની  સુધરાઇના 9 વોર્ડ માટે આજે સંપન્ન થયેલાં મતદાન બાદ સરવાળે કુલ 54.60 ટકા જેટલું મધ્યમ મતદાન થયું હતું, જે પૈકી સૌથી વધુ મતદાન વોર્ડ નં. 4માં 59.74 ટકા તથા સૌથી ઓછું વોર્ડ નં. 8માં 48.72 ટકા મત પડયા હતા. શાંતિના માહોલ વચ્ચે મતદાન થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. શહેર સુધરાઇના કુલ 9 વોર્ડની 36 બેઠક પૈકી ચૂંટણી અગાઉ 2 બેઠક બિનહરીફ થતાં આજે 34 બેઠક માટે વહેલી સવારથી જ શાંતિપૂર્વક રીતે મતદાન થયું હતું. આ વખતે  શહેરના 74 મતદાન મથકો પર ક્યાંયે ભીડ જોવા મળી ન હતી. મતદાનના સમય દરમ્યાન ધીમી ધારે સિઝનમાં વરસાદ વરસે તે જ રીતે મતદારોએ  પ્રારંભમાં સુસ્તી દર્શાવી હતી, પરંતુ જેમ-જેમ સમય આગળ જતો હતો તેવી જ રીતે મતદાનની ટકાવારીમાં પણ સુધારો દેખાયો હતો. પ્રારંભમાં સવારે 7થી 9 માત્ર 5.39 ટકા જ મતદાન થતા ઉમેદવારો, પક્ષના મોવડીઓ, કાર્યકરોની ચિંતા વધી ગઇ હતી, પરંતુ 9થી 11 વચ્ચે મતદાનની ટકાવારી 16.97 ટકા નોંધાઇ હતી. બપોરના 1 વાગ્યા સુધી 29.76 ટકા તેમજ બપોરના 3 વાગ્યા સુધી 39.35 ટકા મતદાન નોંધાયા બાદ 3થી 5 વચ્ચે થોડી સંખ્યા વધતાં તમામ મતદાન મથક પર ચહલ-પહલ દેખાઈ હતી. 5 વાગ્યા સુધી મતદાનની ટકાવારી 50 ટકા પાર કરી ગઈ હતી.  સાંજે મતદાનનો સમય પૂરો થવા સુધી 54.60 ટકા મતદાન થયું હતું.  શહેરના વોર્ડ નં. 4માં સૌથી વધુ મતદાન 59.74 ટકા નોંધાયું હતું. આ વોર્ડની ચૂંટણીના પરિણામ પર સૌની નજર છે. તો શહેરના વોર્ડ 8માં સૌથી ઓછું મતદાન 48.72 ટકા થયું હતું. શહેરના કુલે 74 મતદાન મથકો પૈકી 9 સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.મતદાન મથક કેન્દ્રો પર વહીવટી તંત્ર દ્વારા ચુસ્તપણે સોશિયલ ડિસ્ટન્સ સાથે, સેનિટાઈઝર અને પ્લાસ્ટિકના ગ્લોઝથી મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી.પૂર્વ વિભાગના ડે. કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડો. વિમલ જોશીએ જણાવ્યું હતું કે શહેરમાં અપેક્ષા પ્રમાણે એકદમ શાંતિપૂર્વક  મતદાન થયું છે. કોઈ પણ મતદાન કેન્દ્ર પર કે ઉમેદવાર કે રાજકીય પક્ષોની ફરિયાદ આવી નથી. સૌએ સહકાર આપ્યો છે. તો તંત્રની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને પણ અભિનંદન પાઠવ્યાં હતાં. અહીં ઉલ્લેખનીય છે કે શહેરની સુધરાઈની ચૂંટણીમાં અગાઉ મતદાન કેન્દ્રને બદલે કેટલાય મતદારોનાં નામ જુદી-જુદી જગ્યાએ હોતાં અનેક મતદારો પોતાનું મતદાન કેન્દ્ર શોધતા નજરે પડયા હતા. દરેક રાજકીય પક્ષો દ્વારા વાહનોની વ્યવસ્થા રાખવામાં આવી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer