ગાંધીધામ તાલુકા પંચાયત ચૂંટણીમાં મતદારો ઊમટયા

ગાંધીધામ તાલુકા પંચાયત ચૂંટણીમાં મતદારો ઊમટયા
ગાંધીધામ, તા. 28 : જિલ્લાના સૌથી નાનાં અને યુવાન એવા આ તાલુકામાં 16 પૈકી 15 બેઠક માટે આજે સવારથી મતદાન મથકો ઉપર મતદાતા આવતા જણાયા હતા. સવારના ભાગે થોડા આળસ બાદ લોકો ઉમટી પડયા હતા. આ વેળાએ અમુક જગ્યાએ સામાજિક અંતરનો છેદ ઉડયો હતો. બપોરે 3 વાગ્યા સુધીમાં તાલુકા માટે 42.28 ટકા મતદાન થયું હતું તેમજ જિલ્લા પંચાયતની કિડાણા બેઠક માટે 42.53 તથા ગળપાદર બેઠક માટે 43.68 ટકા મતદાન બપોર સુધીમાં થયું હતું. તાલુકા પંચાયતની 15 બેઠક માટે સાંજ સુધીમાં કુલ 57.46 ટકા, જ્યારે જિલ્લા પંચાયતની બે બેઠક માટે કુલ 58.11 ટકા મત પડયા હતા. આ તાલુકાની 16 બેઠક પૈકી અંતરજાળ-1 બેઠક ઉપર વિરોધ પક્ષ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ ક્ષતિગ્રસ્ત જણાતાં તે અમાન્ય ઠર્યાં હતાં અને સત્તાપક્ષનાં મહિલા ઉમેદવાર બિનહરીફ જાહેર થયાં હતાં. બાકીની 15 બેઠક માટે સવારથી મતદાન શરૂ?થયું હતું. આ ગ્રામ્ય વિસ્તારોમાં સવારના ભાગે મતદાતાઓએ આળસ કરતાં તથા મહિલાઓ ઘરનાં કામમાં રોકાયેલી હોવાથી સવારના 7થી 9 વાગ્યાના ગાળામાં માત્ર?5.31 ટકા મતદાન જ થયું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે થયેલાં આ મતદાનમાં પછીથી લોકો પોતાના ઘરોમાંથી નીકળ્યા હતા અને મતનો ઉપયોગ કર્યો હતો. બાદમાં લોકશાહીનો રાજા મતદાર ઉમટી પડતાં મતદાન મથકો ઉપર લાઇનો લાગી હતી અને સવારે 11 વાગ્યા સુધીમાં ટકાવારી 17.34એ પહોંચી હતી, જેમાં અંતરજાળ-2માં 10.70, અંતરજાળ-3માં 10.75, ગળપાદર-1માં 11.79,  ગળપાદર-2માં 11.65, ગળપાદર-3માં 14.64, ખારીરોહર-1માં 16.54, ખારીરોહર-2માં 16, કિડાણા-1માં 23.92, કિડાણા-2માં 17.89, કિડાણા-3માં 13.46, કિડાણા-4માં 20.29, મીઠીરોહર-1માં 19.33, મીઠીરોહર-2માં 24.53, પડાણામાં 31.93, શિણાયમાં 18.47 ટકા મતદાન થયું હતું. મતદારોમાં જોશ અને ઉત્સાહ આવી જતાં ક્યાંક લાઇનો લાગી હતી તો ક્યાંક શુષ્ક વાતાવરણ હતું. આવામાં અનેક જગ્યાએ કોરોનાની બીક નીકળી જતાં સામાજિક અંતર ભૂલાયું હતું. પોલીસના કર્મીઓ પણ લોકોને સમજાવીને કંટાળી ગયા હતા અને  ખૂણો પકડીને બેસી રહ્યા હતા. આ વખતે અમુક મતદાતાઓના મતદાન મથક બદલી દેવાતાં લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. અમુક કંટાળીને મતદાન કર્યા વગર જ પરત ફર્યા હતા. અમુક લોકો મક્કમ હતા તે મતદાન કરીને જ પરત ગયા હતા. આવી પરિસ્થિતિનાં કારણે ભારે સમસ્યા સર્જાઇ હતી. આ અંગે અમુક રાજકીય આગેવાનોએ ચૂંટણી અધિકારીઓનું ધ્યાન પણ દોર્યું હતું. તાલુકા પંચાયતની આ 15 બેઠક માટે બપોરે 3 વાગ્યા સુધીમાં 42.28 ટકા મતદાન થયું હતું, જ્યારે જિલ્લા પંચાયતની ગળપાદર બેઠક માટે 43.68 તથા કિડાણા બેઠક માટે 42.53 ટકા મતદાન બપોરે 3 વાગ્યા સુધીમાં થયું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer