માંડવી તાલુકામાં જાણે લોકોત્સવ ઉજવાયો

માંડવી તાલુકામાં જાણે લોકોત્સવ ઉજવાયો
માંડવી, તા. 28 : (પ્રતિનિધિ દ્વારા) : તાલુકા પંચાયતની 20 બેઠકોના આજે સંપન્ન થયેલા મતદાનમાં એકંદરે 64.65 ટકા મતદાન શાંતિપૂર્ણ રીતે પરિપૂર્ણ થયું હતું. 1,12,286માંથી 72,847 મતદારોએ નાગરિકધર્મ અદા કરી લોકશાહી, લોકતંત્ર - પર્વને દીપાવ્યું હતું. રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાથી નાના ભાડિયાની તા.પં. બેઠક ઉપર 75 ટકા કરતાં વધારે મતદાન થયું હતું. પરંપરાગત રીતે કોંગ્રેસના ખોળામાં રહેતી તલવાણા બેઠક અને લઘુમતીની મજબૂત વોટબેંકવાળી ગુંદિયાળી બેઠક ઉપર મતદાનની એકંદર ટકાવારી 73 ટકાને પાર કરી ગઇ હોવાથી પરિણામો કેવાં વમળો પેદા કરશે તે તરફ રાજકીય વર્તુળો કોઠા મૂકી રહ્યા છે. સૌથી ઓછું મતદાન સાંજે આખરી ચરણ અગાઉ મોટી રાયણ સીટ ઉપર (42.99) ટકા જોવા મળ્યું હતું. તાલુકા અને જિલ્લા પંચાયત માટે મતદાનની ટકાવારી સાઇઠ ટકાને પાર કરી ગઇ હોવાનું જાણવા મળ્યું હતું. બીજી બાજુ જિલ્લા પંચાયત માટેની ચાર બેઠકો ?ઉપર કોડાયની સીટ ઉપર મતદાનનો આંક સૌથી ઓછો રહ્યો હતો. બળાબળનાં પારખાં સમી અનુ. જાતિ માટે અનામત એવી તલવાણામાં ટકાવારી સાંજે પાંચ સુધી 62.79 પાર કરી હોવાની વિગતો મળી હતી. બિદડા જિ.પં. બેઠક પર અંતિમ કલાકમાં ભારે રસાકસી હતી. તાલુકાના 136 બૂથો ઉપર મતદાનમાં મહિલાઓના આંકડા સામે પુરુષ મતદારોનો હાથ ઉપર જોવા મળ્યો હતો. ગત ચૂંટણીમાં 11-9ની બહુમતી સાથે કોંગ્રેસે સુકાન સંભાળ્યા બાદ દલબદલને કારણે કેસરિયો તાલુકા પંચાયતમાં ઉપર લહેરાયો હતો. મહિલા અનામત પ્રમુખપદવાળી તા.પં.ના પૂર્વ અધ્યક્ષા આવેલા એ કોડાય જિલ્લા પંચાયત ઉપર કમળનાં પ્રતીક ઉપર ભાજપા તરફે ઉમેદવાર છે એ કોડાય જિ.પં. બેઠક મતદાનમાં પૂંછડે જોવા મળતાં પરિણામોનો બારીકાઇથી અંદાજ મુકાઇ રહ્યો છે. બીજી તરફ દરશડીની પરંપરાગત રીતે કોંગ્રેસના ઝોકવાળી તા. પંચાયતની બેઠક ઉપર ભાજપાના ક્ષત્રિય અગ્રણીએ ખાંડા ખખડાવેલા હોવાથી ભારે મતદાનનો માહોલ અનુભવાયો હતો. દરશડી તા.પં. બેઠક ઉપર મતદાનની ટકાવારી 70 ટકાને પાર ગઈ હતી. ગત વેળાએ કોંગ્રેસના ઝોકવાળી નીવડેલી બિદડા-1 અને 2, નાની વિરાણી, દુર્ગાપુર વગેરે સીટો ઉપર અન્ય સરખામણી સામે મતદાનનો આંકડો નીચો જોવા મળ્યો હતો. તાલુકા પંચાયત માટે બે વિભાગોમાં વહેંચાયેલી ચૂંટણીના રિટર્નિંગ ઓફિસરો - મામલતદાર શ્રી રાવળ અને તાલુકા વિકાસ અધિકારી શ્રી ગોહિલ અને જિલ્લા પંચાયતની ચાર બેઠકોના ચૂંટણી અધિકારી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી પ્રજાપતિએ તાલુકાભરમાં શાંતિપૂર્ણ મતદાન સંપન્ન થયું હોવાનું જણાવ્યું હતું. કોઇ અપ્રિય કે વાંધાજનક ઘટના પ્રકાશમાં નહીં આવી હોવાનું જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer