ભચાઉ તાલુકા-જિલ્લા પંચાયત માટે 58.89 ટકા

ભચાઉ તાલુકા-જિલ્લા પંચાયત માટે 58.89 ટકા
ભચાઉ, તા. 28 : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજના મતોત્સવમાં વાગડમાં મુંબઈગરા ટ્રેન-લક્ઝરી બસ મારફત ખાસ ઊમટી લોકશાહીના આ યજ્ઞમાં પોતાની આહુતિ રૂપી મત આપ્યો હતો. આજે ભચાઉ તાલુકા પંચાયતની 20 બેઠક અને જિલ્લા પંચાયતની ચાર બેઠક માટે 58.89 ટકા મતદાન નોંધાયું હતું. તાલુકાભરમાં મતદારો માટે કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન થતું જોવા મળ્યું હતું. તો સવારે મુંબઈથી આવેલી ટ્રેનમાં મુખ્યત્વે પાટીદારવર્ગ મોટી સંખ્યામાં મતદાન માટે આવ્યો હતો. તો આધોઈ ગામે સ્પેશિયલ આઠથી દસ લક્ઝરી બસ મારફતે મતદારો આવ્યા હતા. તો વોંધ ગામે માત્ર બે લક્ઝરી આજે ત્રણ વાગ્યે આવી પહોંચતાં ફટાફટ મતદાન કરી પોતપોતાના ઘરે ફ્રેશ થવા માટે પહોંચ્યા હતા. આજના આ લોકશાહી પર્વ અંગે વાગડ ક્ષેત્રના ભચાઉ વિસ્તારમાં પ્રવાસ દરમ્યાન પ્રાપ્ત થયેલી વિગતો મુજબ વિજપાસરમાં મતદાન માટે અનોખા પ્રયત્નો આગેવાનો-કાર્યકરો દ્વારા કરાતા દેખાયા હતા. અહીં ક્ષત્રિય સમાજના બહેનો ઘુમ્મટ સાથે મતદાન મથક તરફ જતા દેખાયા હતા. ગુણાતીતપુરમાં તાલુકા પંચાયતમાં ચોપડવા સીટ અને જિલ્લા પંચાયત નાની ચીરઈ બેઠક માટે અભૂતપૂર્વ મતદાન સાથે સંયમ - શાંતિપૂર્વક મતદાન ખેડૂત-પાટીદાર વસતી તરફથી જોવા મળ્યું હતું. સાત વાગ્યાથી ગરમાગરમ ગાંઠિયા-જલેબીનો નાસ્તો મતદારો-સમગ્ર સ્ટાફ માટે રખાયો હતો. - સામખિયાળીમાં બુઝુર્ગ મહિલા નારાજ : અહીં શાંતિનગર પ્લોટ વિસ્તારમાં 84 વર્ષીય માજી મતદાન માટે ગયા પરંતુ તેમના નામ પર કોઈ મતદાન કરી ગયું હતું. ટૂંકમાં હજુય બોગસ મતદાન થઈ શકે છે તે સાબિત થયું હતું. હીરીબેન ધરમશી પ્રજાપતિએ કહ્યું કે, મારે મતદાન વિના પરત જવું પડે છે.આધોઈ-વોંધ ગામે અંદાજિત 35 જેટલી લકઝરી બસ આવ્યાનું બહાર આવ્યું હતું. વાંઢિયા, તોરણિયા, શિકારપુર, કટારિયા નવા અને જૂનાં ગામોમાં પણ કોરોના લોકડાઉન પછી માહોલ ચૂંટણીને લઈ ચમકતો થયો હતો. લોકડાઉન બાદ કેટલાક પરિવારો તો મુંબઈ હતા, તેમણે અહીં મતદાન કર્યું હતું. ભાજપ સંગઠન ટીમની સાથે ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગાએ સમગ્ર?ટીમને લઈ તાલુકાનો પ્રવાસ કર્યો હતો. મતદારોનો ઘરોઘર સીધો સંપર્ક?-?ખાટલા બેઠક કરી ભાજપ તરફી માહોલ ઊભો કરવા બદલ વીરેન્દ્રસિંહના અથાક પ્રયત્નોની સરાહના કરાઈ હતી. આધોઈમાં સ્વામિનારાયણ મંદિરના સાંખ્યયોગી બહેનો જ્યારે મતદાન કરવા માટે આવ્યા ત્યારે પોલિંગ સ્ટાફે આવકારી એક અનોખો શિષ્ટાચાર સંપ્રદાય પ્રત્યે દર્શાવ્યો હતો. ગ્રામીણ વિસ્તારોમાં આજે પાંખી પાળી રજા રખાઈ હતી. ડીવાય.એસ.પી. શ્રી પટેલે ભચાઉ?તાલુકામાં સંપૂર્ણ શાંતિપૂર્વક મતદાન થયાનું અને વાગડમાં લોખંડી ચુસ્ત બંદોબસ્ત સ્થાનિક પોલીસ, રેલવે પોલીસ, એસ.આર.પી., હોમગાર્ડ, જી.આર.ડી. તરફથી રખાયાનું ડીવાય.એસ.પી. શ્રી ઝાલાએ જણાવ્યું હતું. - ભચાઉમાં સૂનકાર : જિલ્લા - તાલુકા પંચાયતની ચૂંટણી ભચાઉ શહેરમાં આ વખતે પાલિકાની ચૂંટણી ન હોઈ અહીં મતદાન હતું નહીં, પરંતુ ગ્રામ્ય પંથકમાં રણકાંઠાના નેર, બંધડી, કડોલ, કુંજીસર, મેઘપર, લાખાવટ વગેરે સ્થળે શિયાળા પછીની આજની ગરમી આકરી લાગતી હતી. મીઠાના મજૂરો, ખેતીકામ કરતા મજૂરો કે કડિયાકામ સહિતના બાંધકામના મજૂરોને તેમના વતન લઈ જવાયા હોવાથી અહીં તેમની હાજરી ઓછી હતી. ભચાઉનું વેપારી સંકુલ આજે ખાલીખમ ભાસતું હતું. ગામોથી કોઈ હટાણું કરવા સરકારી કામે કે માર્કેટયાર્ડમાં અનાજ વેચવા આવ્યા ન હતા. ભચાઉમાં રિક્ષાવાળા બપોર સુધી ગામડેથી કોઈ ન આવતાં બોણી ન થયાની બૂમો કરતા હતા. લેબોરેટરી- ખાનગી દવાખાના દર્દી વગરના હતા, બજારો સૂમસામ હતી.ભચાઉ તાલુકામાં નોકરી કરતા અને ભચાઉ રહેતા કેટલાક કર્મચારીએ સવારે ખાનગી બસોમાં કામનાં સ્થળે જવાનું આયોજન કર્યું હતું, પરંતુ ખાનગી બસો ન ઉપડતાં અટવાયા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer