ગઢવી સમાજના પ્રભુત્વવાળાં ગામોમાં સારું મતદાન : કોને તારશે, કોને પાડશે ?

ગઢવી સમાજના પ્રભુત્વવાળાં ગામોમાં સારું મતદાન : કોને તારશે, કોને પાડશે ?
મોટા ભાડિયા (તા.માંડવી), તા. 28 : મુંદરા પોલીસ મથક ખાતે બનેલા કસ્ટોડિયલ ડેથના મામલાને લઇને ઊભી થયેલી અસમંજસભરી પરિસ્થિતિ વચ્ચે આજે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે મુંદરા અને માંડવી તાલુકા હેઠળ આવતા ગઢવી-ચારણ સમાજના પ્રભુત્વવાળા ગામોમાં સારું અને ભારે મતદાન થયું હતું. સમાજના જિલ્લા અધ્યક્ષે બનાવનો પડઘો આ મતદાનમાં જોવા મળશે તેવી પ્રતિક્રિયા આપી હતી. આજે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા દરમ્યાન થયેલા મતદાન પૈકી ચારણ ગઢવી સમાજની બહુમતિવાળા વવાર ગામે 1006 પૈકી 504, સૌથી વધુ વસતીવાળા ઝરપરા ગામે 80 ટકા મતદાન થયું હતું. તો  મોટા ભાડિયા ગામે 2696માંથી 2253 મત પડતાં 83 ટકા મતદાન થયું હતું. કાઠડામાં 1350 જણે મત આપતાં 70 ટકા મતદાન, નાના લાયજામાં 380 પૈકી 290 જણે મત આપવા બટન દબાવ્યાં હતાં. જ્યારે ભાડામાં 680 પૈકી 544 મત પડતાં 80 ટકા મતદાન અને પાંચોટિયા ગામે 537માંથી 357  મત પડવા સાથે 64 ટકા મતદાન થયું હતું. દરમ્યાન, મુંદરા તાલુકાના મોટા રતડિયા અને માંડવી તાલુકાના નાની રાયણ ગામના ગઢવી-ચારણ સમાજના મતદારો મતદાનથી અળગા રહ્યા હતા. સમાઘોઘા પ્રકરણમાં નક્કર પગલાં લેવાયાં ન હોવાની ફરિયાદ સાથે તેમણે આવું કર્યું હોવાનું જણાવાયું હતું. બીજીબાજુ, સમાજના અધ્યક્ષ વિજયભાઇ ગઢવીએ એવું જણાવ્યું હતું કે સમાજના સભ્યોએ તેમની નારાજગીનું પ્રતાબિંબ આ મતદાન દ્વારા પાડયું છે. સમાજનો ઘણો વર્ગ હજુ નારાજ હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer