પટેલ ચોવીસી અકળ, ક્યાંક ખુશી, ક્યાંક ગમ...

પટેલ ચોવીસી અકળ, ક્યાંક ખુશી, ક્યાંક ગમ...
કેરા (તા. ભુજ), તા. 28 : કચ્છમિત્રની ટીમે જિલ્લા-તાલુકા પંચાયતના કેન્દ્રબિંદુ સમા સુખપરથી કેરા અને  સામત્રાથી માધાપર સુધી નાના-મોટા બૂથોમાં મુલાકાત લેતાં અમુક ગામોમાં સવારથી સુસ્તી તો ક્યાંક લાંબી કતારો  જોવા મળી, તાલુકાના સૂરજપર ગામે સવારના ભાગમાં બબાલ થઇ?હતી, તો એટ્રોસિટીની ચર્ચાવાળા દહીંસરા ગામે ઉત્સાહ દેખાયો હતો. સ્થાનિક ઉમેદવારો અને આપસી અવિશ્વાસનાં વમળવાળી કેરા બેઠક પર મતદારોમાં સુસ્તી દેખાઇ હતી. અમુક યુવાનોએ `નોટા'ની અપીલ કરતાં બૂથ બહાર પક્ષોની ટેબલ પર નજરની ગરમી દેખાઇ હતી. આ વખતે બળદિયા, ભારાપર અને સેડાતાના મુસ્લિમ બાહુલ્યવાળા બૂથો ઉપર 55થી 60 ટકા કે તેથી વધુ મતદાન થતાં ક્યાંક ખુશી, ક્યાંક ગમ જેવો માહોલ કળાયો હતો. છેલ્લા 15 દિવસથી એટ્રોસિટીના મુદ્દે ચર્ચામાં રહેલા દહીંસરા ગામમાં પોલીસ જાપ્તો અન્ય ગામો કરતાં વધુ દેખાયો હતો. અહીં પણ શાંતિપૂર્ણ મતદાન થયું હતું. રામપર વેકરા ગામના મુખ્ય રસ્તા ઉપર લોકોનાં ટાળાં હતાં અને મેળા જેવો માહોલ હતો. સામત્રા, વાડાસર, સરલી, ગોડપર ગામોમાં ધીમે ધીમે ગતિ પકડાઇ હતી. વાડાસરમાં અને ભારાપરમાં વરરાજાએ મતાધિકારને મહત્ત્વ આપ્યું હતું. તો સાંખ્યયોગી બહેનોએ નારાણપર રાવરી-પસાયતીમાં મતદાન કરી પ્રેરણા આપી હતી. સુખપર ગામે રંગેચંગે મત આપ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer