નખત્રાણા તાલુકામાં જોમભેર 58.78 ટકા મતદાન

નખત્રાણા તાલુકામાં જોમભેર 58.78 ટકા મતદાન
નખત્રાણા, તા. 28 : સ્થાનિક સ્વરાજ્યની તાલુકાની જિલ્લા પંચાયતની 4 બેઠકો તેમજ તાલુકા પંચાયતની 20 બેઠકો માટે નગરના 15 જેટલા બૂથો તેમજ તાલુકાના 166 જેટલા મતદાન બૂથો પર આજે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. લોકશાહીના પર્વ સમાન આ ઉત્સવમાં લોકોએ ઉમંગભેર ભાગ લઇ ઉજવણી કરી હતી. જિલ્લા પંચાયતની 4 તેમજ તાલુકાની 20 બેઠકો માટે 58.78 ટકા મતદાન થયું હતું. 28 ફેબ્રુઆરી રવિવારે મતદાન હોતાં સવારથી જ મતદાન માટે લોકોમાં ઉત્સાહ દેખાતો હતો. તેમાંય સવારે 7 વાગ્યાથી મતદાન બૂથો પર મતદાન શરૂ થતાં વહેલી સવારથી જ ખુશનુમા વાતાવરણમાં મતદાનનો દોર શરૂ થયો હતો. જેમ જેમ દિવસ ચડતો ગયો તેમ તેમ મતદાનની ટકાવારી વધતી ગઇ હતી. મતદાન તેમજ રવિવાર હોતાં સવારથી જ બજારો, વેપારી પ્રતિષ્ઠાનો બંધ રહ્યાં હતાં તો મતદાન માટે આવતા મતદારોને સેનિટાઇઝર, શોટ ગનથી ટેમ્પરેચર તેમજ હાથમોજાની વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા સાથે લોકોએ મતદાન કર્યું હતું. તો બપોર પછી મતદાનમાં ઝડપ આવી હતી. આ વખતે મતદાન બૂથો બહાર ન કોઇ રિક્ષામાં કે ના કોઇ પક્ષના વાહનોમાં મતદારો લેવા તેમજ મૂકવા માટે કાંઇ ન હોતાં લોકો પોતાના પરિવારો સાથે પોતાના વાહનો તેમજ દ્વિચક્રી વાહનોમાં મતદાન માટે આવ્યા હતા. હા, બૂથો બહાર ટેબલ પર મતદારોને તેમનો મતદાર યાદીમાં નંબર તેમજ બૂથ નંબર શોધી આપવામાં યુવાનો કાર્યરત દેખાયા હતા તો ક્યાંક મેળા જેવો માહોલ પણ દેખાતો હતો. બારડોલી તરીકે જેની ગણના થાય છે તેવા આ તાલુકા મથક તેમજ તાલુકામાં લોકોએ મતદાન કર્યું હતું. તો ક્યાંક મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. જિલ્લા પંચાયત-નખત્રાણા-1 બેઠક પર 56.92 ટકા મતદાન થયું હતું. તો બેઠકમાં સમાવિષ્ટ તાલુકા પંચાયતની કોટડા રોહા 53.80, કોટડા (જ.)ની બેઠક પર 60.38, નખત્રાણા નંબર-1 પર 59.97, નખત્રાણા-2 પર 52.79 તથા નખત્રાણા-3 પર 58.4 ટકા મતદાન થયું હતું. તો જિલ્લા પંચાયત 28 નેત્રા બેઠક 57.96 ટકા મતદાન સાથે ઘડાણી-4 બેઠક પર 63.93 ટકા, મથલ-8 પર 56.72 ટકા, તાલુકા પંચાયત નેત્રા-12 પર 53.03 ટકા, રસલિયા-14 બેઠક પર 56.29 ટકા તેમજ રવાપર-15 બેઠક પર 59.93 ટકા મતદાન થયું  હતું. જિલ્લા પંચાયતની તાલુકાની 29 નિરોણા બેઠક પર 67.66 ટકા મતદાન થયું હતું. દેશલપર (ગું.) તાલુકા પંચાયત સીટ નં. 2 પર 64.36 ટકા મતદાન, 13 નિરોણા તાલુકા પંચાયત બેઠક પર 60.26 ટકા મતદાન, તલ-16 નંબર બેઠક પર 74.44 ટકા, 18 વંગ બેઠક પર 81.02 ટકા તેમજ 19 નંબર મોટી વિરાણી બેઠક પર 53.26 ટકા મતદાન થયું હતું. જિ.પં.ની વિથોણ બેઠક પર 53.97 ટકા મતદાન સાથે તાલુકા પંચાયતની નાના અંગિયા-1 55.79 ટકા, દેવપર સીટ નંબર 3 53.42 ટકા, મંજલ-7 તાલુકા પંચાયતની બેઠક પર 52.40 ટકા તો 16 નંબરની વડવાકાંયા બેઠક 52.99 ટકા, તો વિથોણ-20 નંબરની બેઠક પર 55.16 ટકા મતદાન થયું હતું. નખત્રાણા તાલુકાની વંગ અને તલ સીટ પર બપોરે 1 વાગ્યા સુધી સાઠ ટકા જેટલું મતદાન થયું હતું. નખત્રાણા તમામ 15 બૂથો પ્રા. કન્યાશાળા-કન્યા હાઈસ્કૂલ-નવાવાસ-બૂથ, પ્રા. કુમારશાળા વથાણ-નવાવાસ, સરકારી વસાહત-બૂથ, પ્રા. શાળા બૂથ-  નવાનગર, મણિનગર બૂથ પર કેટલા ટકા મતદાન થયું તે જાણવા લોકો એકત્રિત થયા હતા. ઉત્સવ-તહેવાર જેવા માહોલ, ચાની હોટલ-નાસ્તાની લારીઓ પર ભીડ જોવા મળી હતી. તો 166 જેટલા મતદાન બૂથો પર ક્યાંક કોઈ ઈ.વી.એમ. ખોટકાયું હોય તેવું બન્યું નથી. દરેક સ્થળે વ્યવસ્થિત કામગીરી જોવા મળી હતી. ટૂંકમાં મતદાન સમુસૂતરું થયું હતું. ખાસ કરીને યુવાનોએ મતદાન કરવામાં રસ દાખવ્યો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer