રાપર જિલ્લા-તાલુકા પંચાયત માટે 60.50 ટકા

રાપર જિલ્લા-તાલુકા પંચાયત માટે 60.50 ટકા
રાપર, તા. 28 : સ્થાનિક સ્વરાજયની તાલુકા પંચાયતની 24 અને જિલ્લા પંચાયતની પાંચ બેઠકો માટે આજે યોજાયેલી ચૂંટણીમાં60.50  ટકા જેટલું ભારે મતદાન થયું હતું. તાલુકાના 1,49,979 મતદારો પૈકી 50,073 પુરૂષ અને 40,668 ત્રી સહિત કુલ 90,741 મતદારોએ મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.  વહેલી સવારથી જ ગ્રામ્ય વિસ્તારમાં મતદારોએ કતાર લગાવી આબાલવૃધ્ધ સૌ કોઈએ  લોકશાહીના પર્વની શાનદાર ઉજવણી કરી હતી. સમગ્ર તાલુકામાં એકાદ બે નાના બનાવ સિવાય  ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્વક પાર પડી હતી. સ્થાનિક ગ્રામજનો ઉપરાંત કચ્છ અને  મહારાષ્ટ્રમાં વસવાટ કરતા  મતદારોએ પણ આવી પહોંચી મતદાનની પવિત્ર ફરજ અદા કરી હતી. આ દરમ્યાન તમામ બૂથ પાસે કોરોનાના નિયમોની અમલવારી પણ કરાઈ હતી. તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે કુલ 188 બૂથ ઉપર સવારે 7 વાગ્યાથી  મતદાનનો આરંભ થતાની સાથે જ મતદારોએ કતાર લગાવી હતી. તાલુકાના નંદાસર, રવ મોટી, સુવઈ, ત્રંબો સહિતના ગામોની મુલાકાત દરમ્યાન  લોકોમાં લોકશાહીનું પર્વ ઉજવવામાં ભારે ઉત્સાહ નજરે પડયો હતો. મોટી રવ ગામની પ્રાથમિક શાળામાં આવેલા ત્રણેય બૂથમાં સવારે 7 વાગ્યાથી જ  કતાર લાગેલી  હોવાનું જાણવા મળ્યું હતું.  વયસ્ક મતદારો પણ સંબંધીઓના સહારે મતદાનની પવિત્ર ફરજ અદા કરી  હતી.   રાપરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ પંકજભાઈ મહેતાએ સુવઈ ખાતે .પરિવાર સાથે મતદાન કર્યું હતું. રવેચી મંદિરના મહંતગંગાગીરીજીએ પણ મોટી રવ ખાતે મતાધિકારનો ઉપયોગ કરી  લોકશાહીના યજ્ઞમાં આહુતિ આપી હતી. તાલુકાના ગામડાઓમાં  100 વર્ષની નજીક પહોંચેલા અનેક મતદારોએ પણ પોતાની ફરજ બજાવી હતી. સુવઈ ખાતે 98 વર્ષીય માનુબેન કારા મહેશ્વરીએ પોતાના ઘરેથી  પગપાળા જઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જૈફ વયે  મતદાન કરવાનો  આનંદ તેમના ચહેરા ઉપર જણાયો હતો.  તો ત્રંબૌમાં   જન્મથી અપંગ યુવાન પ્રેમજીભાઈએ  મતદાન કરી સૌને મત આપવા પ્રેરણા આપી હતી. તાલુકાના આડેસર, ભીમાસર, પ્રાંથળના બાલાસર, બેલા, જાટાવાડા, ફતેહગઢ સહિતના  ગામડાઓમાં પણ  લોકોમાં સારો ઉત્સાહ હોવાના અહેવાલો  સાંપડયા હતા.કચ્છના  વિવિધ  વિસ્તારોમાં રહેતા અને મુંબઈથી પણ મતદારો મોટી સંખ્યામાં આવ્યા હોવાથીગત મતદાનની ટકાવારી ગત વર્ષ કરતાં એક થી બે ટકા વધે તેવી શક્યતા જાણકારોએ વ્યકત કરી હતી.  સવારથી મતદાન શરૂ થતાની સાથે જ  પ્રથમ બે કલાકમાં  8.75 ટકા જેટલું મતદાન થયું હતું.  ટકાવારીના આ આંકડાની આગેકુચ બપોરે ત્રણ વાગ્યા સુધી સતત જારી રહી હતી. બીજા બે કલાકમાં 9 થી 11 વાગ્યા સુધીમાં આ આંકડો 16 ટકા  વધીને 24.46 ટકા થયો હતો. જયારે 11 થી 1 વાગ્યા સુધીમાં વધુ 16 ટકા મતદાન થતા બપોરે 1 વાગ્યા સુધીમાં 40.27 ટકા જયારે 1 થી બપોરે 3 વાગ્યા સુધીમાં 10 ટકાના વધારા સાથે મતદાનની ટકાવારી 50 ટકાએ પહોંચી હતી. તાલુકાના સદાણાવાંઢ ખાતે મતદાન   બહિષ્કારની  વાત  આવી હતી. જો કે  `કચ્છમિત્ર'ની ટીમ ત્યાં પહોંચતા ગ્રામજનોએ મતદાન ચાલુ હોવાનું જણાવ્યું હતું. આ ગામના એક બૂથમાં બપોરે 12 વાગ્યા સુધી 20 ટકા જેટલા મત  પડયા હતા. બપોર બાદ  મતદાન  વધશે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું.  એકાદ બે છુટાછવાયા બનાવને  બાદ કરતાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂરી થતા વહીવટી તંત્રએ રાહત અનુભવી હતી  ભીમાસર જીલ્લા પંચાયતમાં  અને બાદરગઢ તાલુકા પંચાયતમાં  ઈવીએમમાં ખોટીપો સર્જાતા બે ઈવીએમ  બદલાવામાં આવ્યાં હતાં. તો ભીમાસર બેઠકમાં નવા ઉમેરાયેલા 10 મતદારોના નામ પાર્ટીની મતદાર યાદીમાં હતાં, પરંતુ ચૂંટણી સ્ટાફ પાસે રહેલી યાદીમાં નામ ન હતાં. આ મામલે ગુંચ સર્જાઈ હતી. તમામ મતદાન મથક પાસે પોલીસ દ્વારા સામાજિક અંતરનું પાલન કરાવાતું હતું. જયારે જે મતદારો પાસે માસ્ક ન હતા તેને  માસ્ક અપાતા હતાં. તેમજ મથક અંદર જતા પૂર્વે  તાપમાન  માપી હાથ મોજા પણ આપવામાં આવતા હતાં.તાલુકા પંચાયતની બેઠક પ્રમાણે મતદાનની ટકાવારી જોઈએ તો સૌથી વધુ રામવાવ  બેઠક ઉપર 72.42 ટકા અને સૌથી ઓછું ચિત્રોડ બેઠક ઉપર 39.73 ટકા મતદાન થયું હતું.  જયારે આડેસરમાં 66.1, બાદરગઢમાં 41.04, બાલાસરમાં 62.85, બેલામાં 61.35, ભીમાસર-1માં 59.78, ભીમાસર-2માં 58.17, ભુટકીયામાં 52.89, ધાણીથરમાં 46.46, ફતેહગઢમાં 67.65, ગાગોદરમાં 51.82, ગેડીમાં 68.45, જાટાવાડામાં 67.26, ખાંડેકમાં 58.32, કિડિયાનગરમાં 69.09, માણાબામાં 65.04, પલાંસવામાં 69.75, પ્રાગપરમાં 54.96, રવ મોટીમાં 61.44, સઈમાં 64.46, સણવામાં 66.57, સેલારીમાં 63.53 અને સુવઈ બેઠકમાં 68.89 ટકા મતદાન નોંધાયું હતું.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer