લખપતના પાટીદારો માદરે વતન ઊમટતાં માહોલ જામ્યો

લખપતના પાટીદારો માદરે વતન ઊમટતાં માહોલ જામ્યો
દયાપર (તા. લખપત), તા. 28 : લખપત તાલુકાના ધંધાર્થે બહારગામ વસતા પાટીદાર સમાજના મતદારો મતદાન માટે માદરે વતન ઉમટી પડતાં આજે ચૂંટણીનો માહોલ બરોબર જામ્યો હતો. એક મતદાતાએ તો છેક દક્ષિણ આફ્રિકાના કેન્યાથી આવી મત આપ્યો હતો. આજે લખપત તાલુકામાં કુલ 78 ટકા મતદાન થયું હતું. ગ્રામ સ્વરાજની ચૂંટણીઓમાં દર વર્ષે મતદાનની ટકાવારી વધારે જ હોય છે. આ વખતે ગામડાઓમાં પૂરજોશથી લોકોએ મતદાન કર્યું હતું. તાલુકામાં બપોરે સુધીમાં 50 ટકા તો 3 વાગ્યા સુધીમાં 62.83 ટકા મતદાન થઇ ગયું, તેમાં પણ ખાસ લાખાપર બેઠક પર બપોરે 3 વાગ્યા સુધીમાં 75.10 ટકા, નરા 74.25, બરંદા 71.90 ટકા જેવું ભારે મતદાન થયું હતું. સાંજે મતદાન પૂર્ણ થયું હતું. તાલુકાના મુખ્ય મથક દયાપરમાં પણ આજે મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 80 વર્ષનાં માજીને મતદાન મથકે વ્હીલચેરથી લઇ અવાયાં હતાં. તો તમામ પક્ષના મતદારોને રિઝવવા તેમની યાદી જોવા બસ સ્ટેશન પાસે ટેબલો ગોઠવાયાં હતાં. નાની વિરાણી ખાતે સાંજે 3થી 5 મતદાન પ્રક્રિયા ધીમી ગતિએ ચાલતાં બબ્બે લાઇનો લાગી હતી. અહીં 90 જેટલા મતદાતાઓ, જે ધંધાર્થે બહારગામ રહે છે, તેઓ પાટીદાર સમાજના મતદાતાઓ લક્ઝરી બસથી અહીં ખાસ મત આપવા માટે આવતાં સમાજનું રસોડું પણ ચાલુ કરાયું હતું. ઘડુલીમાં પાટીદાર સમાજના 10થી 15 મતદાતાઓ બહારથી મતદાન કરવા આવ્યા હતા. તો દયાપરમાં કેન્યા (સાઉથ આફ્રિકા) વસતા રોનક શંકરલાલ ઠક્કરે દયાપર મતદાન મથકે પોતાનો મત આપ્યો હતો. તાલુકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જળવાયો હતો. પી.એસ.આઇ. શ્રી જેતાવત દ્વારા વારંવાર મથકોનું નિરીક્ષણ કરાયું હતું અને કાયદાનું પાલન કરાવવા પોલીસકર્મીઓને સૂચના અપાઇ હતી. ચૂંટણીની આગલી રાત્રે તાલુકામાં ઠેરઠેર `બડિયા ખાના'ના કાર્યક્રમો ચાલુ રહ્યા હતા. ઉમેદવારોએ આખી રાત જાગી લોકોને સમજાવવા, મત મેળવવા તમામ પ્રયાસો જારી રાખ્યા હતા. દરમ્યાન, તીર્થધામ નારાયણ સરોવરમાં 76.17 ટકા મતદાન થયું હતું. 1083 મતદારોમાંથી 825 લોકોએ મતદાન કર્યું હતું, તે પૈકી 431 પુરુષ?અને 394 ત્રીનો સમાવેશ?થાય છે. આજ સવારથી મતદાન ક્ષેત્રથી દૂર અલગ અલગ પક્ષના લોકોના સમૂહ મતદારો કેટલા આવ્યા, કેટલા બાકી જેવી અનેક ચર્ચાઓ કરતા જોવા મળ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer