કચ્છના પ્રગતિશીલ ખેડૂ કૃષક એવોર્ડથી સન્માનાયા

કચ્છના પ્રગતિશીલ ખેડૂ કૃષક એવોર્ડથી સન્માનાયા
નવી દિલ્હી, તા. 28 : ભારત સરકારની ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (આઇએઆરઆઇ) પુસા દ્વારા કચ્છના પ્રગતિશીલ કિસાન વેલજીભાઇ મૂળજીભાઇ ભુડિયાનું દિલ્હી ખાતે કિસાન સન્માન સમારંભમાં કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીના હસ્તે `કૃષક એવોર્ડ' આપીને સન્માન કરાયું હતું. પુસા ખાતે ભારતીય કૃષિ સંશોધન સંસ્થા દ્વારા `આત્મનિર્ભર ભારત' થીમ હેઠળ 25થી 27 ફેબ્રુઆરી સુધી ત્રિદિવસીય કિસાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ રાજ્યના પ્રગતિશીલ અન્ય ખેડૂતો માટે રોલ મોડેલ ખેડૂતના `આત્મનિર્ભર કિસાન' સેમિનાર દરમ્યાન એવોર્ડ અને સન્માનપત્રથી નવાજવામાં આવ્યા હતા. કચ્છ-માધાપરના પ્રગતિશીલ કિસાન અને અગ્રણી વેલજીભાઇ મૂળજીભાઇ ભુડિયાએ  ખેતીને માત્ર ખેતી તરીકે જ નહીં, પરંતુ તેમાં આગળ વધીને ઉદ્યોગમાં પરિવર્તિત કરી, એગ્રો પ્રોસેસિંગ, ગ્રાડિંગ, માર્કાટિંગ, બ્રાન્ડિંગ  સુધી પહોંચાડીને નફાકારક બનાવી તથા અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા તે માટે તેમને ભારતીય કૃષિ સંશોધન સંસ્થા દ્વારા પ્રગતિશીલ કિસાન એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ભારતીય કૃષિ સંશોધન સંસ્થાના નિર્દેશક ડો. એ. કે. સિંહ, ડો. ઇન્દ્રમણી મિશ્રા, ડો. જે.પી.એસ. દબાસ સહિત કૃષિ વૈજ્ઞાનિકો તથા દેશના રોલ મોડેલ કિસાનોની ઉપસ્થિતિમાં એવોર્ડ સન્માન કરવામાં આવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer