હવે આઝાદે કરી મોદીની પ્રશંસા

શ્રીનગર, તા. 28 : જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. આઝાદે ગુજ્જર સમુદાયના એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં કહ્યું કે, આપણે આપણી મૂળ વિનમ્રતા અને લોકોને ન ભૂલવું જોઇએ. લોકોએ નરેન્દ્ર મોદી પાસેથી શીખ લેવી જોઇએ, જે વડાપ્રધાન બની ગયા પરંતુ પોતાનાં મૂળને નથી ભૂલ્યા.રાજ્યસભામાં વિપક્ષના નેતા રહેલા ગુલામનબી આઝાદે કહ્યું કે, નરેન્દ્ર મોદી પોતાને ગૌરવથી ચાવાળા કહે છે, મારા નરેન્દ્ર મોદી સાથે રાજકીય મતભેદ છે, પરંતુ વડાપ્રધાન એક જમીની વ્યક્તિ છે. આઝાદે વડાપ્રધાન સાથે રાજકીય મતભેદોનો ઉલ્લેખ કરીને વખાણ તો કર્યા, પરંતુ કાશ્મીરની અર્થવ્યવસ્થાને મુદ્દે પણ પોતાનો મત વ્યક્ત કર્યો. આઝાદે કહ્યું કે, આપણે પહેલાં જમ્મુ-કાશ્મીરની આર્થિક સ્થિતિને ઠીક કરવી પડશે. તેમણે આ માટે મંત્ર પણ આપ્યો અને કહ્યું કે, વિકાસના કામને ત્રણ ગણું કરવું પડશે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જ જી-23ના બેનર હેઠળ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આઝાદના સમર્થનમાં ઊતરીને કોંગ્રેસના નેતૃત્વ સામે મોરચો ખોલ્યો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer