ઇસરોએ છોડયા 19 ઉપગ્રહ

નવી દિલ્હી, તા. 28 : વર્ષ 2021નો પ્રથમ અને કુલ 342મો વિદેશી ઉપગ્રહ છોડીને ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન (ઇસરો)એ રવિવારે ઇતિહાસ રચ્યો હતો. કુલ 19 ઉપગ્રહો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર તેમજ ભગવદ્ ગીતા પણ અવકાશમાં સ્થાપિત કરાઇ છે. પીએસએલવી-સી 51 રોકેટ સાથે બ્રાઝિલનો એમેઝોનિય-વન અને અન્ય 18 ઉપગ્રહ પણ ઇસરોએ અવકાશમાં મોકલ્યા હતા. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી રવિવારે ચાલુ વર્ષનું પ્રથમ લોન્ચિંગ સફળતાપૂર્વક કરાયું હતું. આજના લોન્ચિંગ સાથે ઇસરોએ દુનિયાના 34 દેશોના 342 ઉપગ્રહ અવકાશમાં સ્થાપિત કરી દીધા છે. આજે છોડાયેલા ઉપગ્રહોમાં ચેન્નાઇની સ્પેસ કિડ્ઝ ઇન્ડિયાનો સતીશ ધવન સેટ ઉપગ્રહ સામેલ છે, જેની પેનલ પર વડાપ્રધાનની તસવીર કોતરાઇ છે. સાથોસાથ એસડી કાર્ડમાં ભગવદ્ ગીતા પણ સ્પેસ કિડ્ઝ ઇન્ડિયાના બાળ નિર્માતાઓએ આ ઉપગ્રહ સાથે અવકાશમાં મોકલી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer