જવાબદારી જૈશ-ઉલ હિન્દે લીધી

મુંબઈ, તા. 28 : મુંબઈમાં મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક ભરેલી ગાડીના મામલે જૈશ-ઉલ હિંદ નામથી એક આતંકી સંગઠને જવાબદારી લીધી છે. આ સંગઠને ટેલીગ્રામ એપના માધ્યમથી જવાબદારી લીધી હતી. થોડા દિવસ પહેલા આ સંગઠને દિલ્હીમાં ઈઝરાયલ એમ્બેસીની બહાર વિસ્ફોટની જવાબદારી લીધી હતી. આ સંગઠન તરફથી બિટકોઈનથી રૂપિયાની ડિમાન્ડ પણ કરવામાં આવી હતી. આતંકી સંગઠને એક મેસેજ મારફતે તપાસ એજન્સીને પડકાર ફેંક્યો છે. મેસેજમાં લખવામાં આવ્યું છે કે, રોકી શકો તો રોકો. જ્યારે દિલ્હીમાં નાક નીચે હુમલો કર્યો ત્યારે પણ કંઈ કરી શક્યા નથી. પૂરી રીતે તમે લોકો નિષ્ફળ સાબિત થયા છે અને આગળ પણ સફળતા નથી મળવાની. મેસેજના અંતમાં લખવામાં આવ્યું છે કે હવે તમને ખબર છે કે શું કરવું. પૈસા ટ્રાન્સફર કરો જે પહેલાં કહેવામાં આવ્યું હતું.  જોકે, પોલીસને આ સંગઠનના દાવા પર વિશ્વાસ નથી, એ તપાસ આગળ ચલાવી રહી છે. મુકેશ અંબાણીના ઘરની બહાર મળેલી સંદિગ્ધ કારને લઇને અત્યાર સુધીમાં 20-25 લોકોનાં નિવેદન નોંધવામાં આવ્યાં છે. મુંબઇ પોલીસે કહ્યું કે, હજુ સુધી કોઇ આતંકી કનેકશન નથી મળ્યું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer