આજથી વિધાનસભાનું બજેટસત્ર

અમદાવાદ, તા. 28 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત વિધાનસભાનું 31 દિવસીય બજેટસત્ર આવતીકાલે 1લી, માર્ચના સોમવારથી શરૂ થશે. જે 1લી, એપ્રિલે પૂરું થશે. આ સત્ર દરમ્યાનમાં 10 દિવસની રજા રહેશે અને 20 દિવસ ગૃહનું કામકાજ થશે. સામાન્ય રીતે ગૃહની બેઠકના પ્રથમ કે બીજા દિવસે સરકારનું બજેટ રજૂ થતું હોય છે પરંતુ આ વખતે બેઠકના પ્રથમ દિવસે જ રાજ્યના બે પૂર્વ મુખ્યપ્રધાનો અને 11 જેટલા પૂર્વ ધારાસભ્યોના નિધન બદલના શોક-પ્રસ્તાવો રજૂ થશે ત્યારબાદ ગૃહની બેઠક મુલત્વી રહેશે. બેઠકના બીજા દિવસે પાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થવાના હોવાથી રજા રહેશે. જ્યારે 3જી, માર્ચે ગૃહની બે બેઠક મળશે. જેમાં પ્રથમ બેઠકમાં જ લગભગ સવારના 11 વાગ્યાની આસપાસ રાજ્ય સરકારનું વર્ષ 2021-22નું વાર્ષિક બજેટ રજૂ કરાશે. ચાલુ નાણાકીય વર્ષમાં સરકારનું બજેટનું કુલ કદ રૂા. 2.17 લાખ કરોડ જેટલું છે પરંતુ આ વર્ષમાં કોરોના-લોકડાઉનની અસરને કારણે સરકારની વેરાની આવકો ઘટી હોવાથી વર્ષ 2021-22નું કદ રૂા. 2.30 કરોડની આસપાસ રહે તેવી સંભાવના છે.  રાજ્ય વિધાનસભાના આ વખતના બજેટસત્રમાં સરકારને તેની કામગીરી બદલ ઘેરી શકાય તેવા મોંઘવારી, કોરોના, લોકડાઉન, મંદી, બેકારી ઉપરાંતના સંખ્યાબંધ મુદ્દાઓ છે. જેને લઈ વિપક્ષ કોંગ્રેસ, વર્તમાન સરકાર પર પસ્તાળ પાડી શકે છે પરંતુ તાજેતરની મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસના સંપૂર્ણ રકાસની સ્થિતિ જોતાં કોંગ્રેસના સભ્યોનું નૈતિક બળ તૂટ્યું છે અને તેનો ભરપૂર લાભ સત્તાધારી પક્ષ-ભાજપ ઉઠાવશે. આ વખતના વિધાનસભાના સત્રની કામગીરી મુજબ, બેઠકના પ્રથમ દિવસે રાજ્યપાલ દ્વારા ગૃહને જે સંબોધન કરાશે, તેનો આભાર માનતી ચર્ચા 3 દિવસ સુધી ચાલશે ત્યારબાદ સરકારને હાલના ચાલુ બજેટ કરતાં જ્યાં વધુ ખર્ચ કર્યો હશે ત્યાં વધારાની રકમની માંગણી કરતાં પૂરક બજેટ ઉપર 2 દિવસ સુધી ચર્ચા થશે. એવી જ રીતે નાણાપ્રધાન નીતિન પટેલ દ્વારા રાજ્ય સરકારનું જે વર્ષ 2021-22 માટેનું બજેટ રજૂ કરાશે. તેના ઉપર ગૃહમાં 4 દિવસ સુધી ચર્ચા કરાશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer