સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઐતિહાસિક જીતનો દાવો કરતા ભાજપ પ્રમુખ
ભુજ, તા. 28 : આજે સાંજે સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન બાદ કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ બંધારણીય ઢબે શાંતિપૂર્વક અને નિર્વિઘ્ને પરિપૂર્ણ થતાં ચૂંટણીપંચ, સંલગ્ન વહીવટી તંત્રો, આરોગ્ય તંત્ર, સુરક્ષાદળોનો અને મતદાન પ્રક્રિયામાં ભાગ લેનારી કચ્છની જનતાનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.આજે મતદાન બાદ કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે જિલ્લા પંચાયત, તમામ દશ તાલુકા પંચાયતો અને પાંચ નગરપાલિકાઓ પર ઐતિહાસિક વિજયનો દાવો કરતાં જણાવ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલની પેજ કમિટીની રણનીતિ અને માઈક્રો બૂથ મેનેજમેન્ટ થકી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને કચ્છભરમાંથી કોંગ્રેસનો સફાયો કરશે એ બિલકુલ સ્પષ્ટ છે. સમગ્ર કચ્છભરમાં ભાજપનો ભગવો લહેરાશે તેવું એક યાદીમાં ઉમેર્યું હતું.