શહેરોમાં ચાર અને ગ્રામ્યમાં સાત પોઝિટિવ
ભુજ, તા. 28 : કચ્છમાં પણ કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લેતા. આજે ચૂંટણીના માહોલ વચ્ચે માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ ફક્ત મતદારોમાં જ જોવા મળ્યો હતો, તો અન્યોએ કોરોના સંક્રમણથી બચવાના પ્રયાસોને નગણ્ય ગણ્યા હતા. ચૂંટણીના માહોલ બાદ કોરોના પોઝિટિવમાં ઉછાળો આવવાની શક્યતાને નજરઅંદાજ કરી શકાય એમ નથી.આજે શહેરોમાં ચાર પૈકી ભુજમાં ત્રણ અને એક કેસ અંજાર ખાતે, તો ગ્રામ્ય ભુજ તા.માં એક, અંજાર તા.માં બે, લખપત તા.માં ચાર મળી સાત નોંધાયા છે.સ્વસ્થ થયેલા છમાં એક અંજાર, ચાર ભુજના અને એક ગાંધીધામના દર્દી સ્વસ્થ થયા છે. કચ્છમાં એક્ટિવ કેસો વધીને 83 થઈ ગયા, તો કુલ કેસનો આંક પણ ઉછળતો જઈ 4599 થઈ ગયો છે. આજ સુધી સાજા થનારાની સંખ્યા 4404 થઈ છે. મોતનો આંકડો સદ્ભાગ્યે 81 ઉપર સ્થિર રહ્યો છે.