મોટી સંખ્યામાં મુંબઈથી મતદારો આવ્યા હોવાથી કોરોના સંક્રમણની ભીતિ
રાપર, તા. 28 : કોરોના વાયરસનું સંક્રમણ દેશમાં ફરી વધી રહ્યું છે, ત્યારે રાપર જિલ્લા પંચાયતની પાંચ અને તાલુકા પંચાયતની 24 બેઠક માટે આજે યોજાયેલા મતદાન માટે મુંબઈથી મોટી સંખ્યામાં મતદારો આવ્યા હતા. હાલ દેશભરમાં અને ખાસ કરીને મુંબઈમાં કોરોના વાયરસનો પગદંડો વધુ મજબૂત બની રહ્યો છે. તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર પાટીદાર ઉમેદવારો હોવાથી મુંબઈથી મોટી સંખ્યામાં મતદારો બસ અને અન્ય વાહનો મારફત વાગડના ગામોમાં આવી પહોંચ્યા હતા. તો ટ્રેનમાં પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. આના કારણે વાગડમાં કોરોનાનું સંક્રમણ વધે તેવી દહેશત લોકો વ્યક્ત કરી રહ્યા છે. જો કે, મતદાન મથકમાં અંદર પ્રવેશતાં પૂર્વે કોરોનાના નિયમોનું ચુસ્ત પાલન કરાવાયું હતું.