ગાંધીધામની ખાનગી શાળામાં તાળાં તોડી 14 હજારની ચોરી

ગાંધીધામ, તા. 28 : શહેરના ભારતનગર નજીક વોર્ડ 9-એ એચ વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળાના તાળાં તોડી તસ્કરે રૂા. 14,000ના કોમ્પ્યુટર સેટની ચોરી કરી હતી. શહેરના વોર્ડ-9 એ.એચ. પ્લોટ નંબર બેમાં આવેલી કચ્છ એકેડેમી નામની શાળામાં તા. 27/2ના રાત્રે 12.30 વાગ્યે ચોરીનો આ બનાવ બન્યો હતો. શાળાના પ્રિન્સિપાલ અને આ બનાવના ફરિયાદી બીંબાધર દામોદર બહેરા ગત તા. 26/2ના બપોરે શાળાને બંધ કરી ગયા હતા અને ગઈકાલે સવારે પરત શાળાએ આવતાં સ્ટાફરૂમના તાળાં તૂટેલા જણાયા હતા. આ રૂમમાંથી એક સી.પી.યુ., બે નંગ મોનિટર, એક કીબોર્ડ, એક માઉસ, સ્ટેબ્લાઈઝર તથા એક હોમ થિયેટર એમ કુલ રૂા. 14,000ના કોમ્પ્યુટર સેટની ચોરી થઈ હતી. આ ફરિયાદીએ શાળામાં લાગેલા સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજની તપાસ કરતાં એક શખ્સ રાત્રે તાળાં તોડી શાળામાં ઘૂસી આ વસ્તુઓની ચોરી કરી લઈ જતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer