મતદાનને આડે બે કલાક બાકી હતા ત્યારે અધિકારી પહોંચ્યા !

ભુજ, તા. 28 : ભુજથી પશ્ચિમ કચ્છ તરફ જતા હાઈવે ઉપર આવેલા દેશલપર (વાંઢાય) ગામના મતદારોએ મતદાન બહિષ્કારનું અગાઉથી જ એલાન આપ્યું હોવા છતાં ચૂંટણી તંત્રે કોઈ ગંભીરતા લીધી ન હતી અને અત્યારે મામલતદાર અને રિટર્નિંગ ઓફિસર વિવેક બારહટ આખરે સાંજે 4 વાગ્યે બૂથ ઉપર પહોંચ્યા હતા.આખા કચ્છમાં વાયુવેગે સમાચાર સોશિયલ મીડિયા ઉપર ફેલાઈ ગયા કે દેશલપરમાં એકેય મત પડયો નથી. કચ્છના ઈતિહાસમાં આવી ઘટના ભાગ્યે જ બનતી હોય તેવા આ ગંભીર બનાવ છતાં રિટર્નિંગ ઓફિસરને મતદાનને આડે બે કલાક બાકી હતા ત્યારે સ્થળ નિરીક્ષણ કરવાનો સમય મળ્યો હતો. આજે 4 વાગ્યા હતા ત્યારે મામલતદાર દેશલપરની પ્રાથમિક શાળાના ત્રણેય મતદાન મથકની 30થી પણ વધુ પોલીસ જવાનો સાથે મુલાકાત લીધી હતી. આ સમયે ત્રણેય બૂથના પ્રિસાઈડિંગ ઓફિસરને તેમણે પૂછયું તો જવાબ મળ્યો કે દેશલપરમાંથી કોઈ મતદાન કરવા આવ્યું નથી.ઝીરો મતદાનની તેમણે લેખિતમાં નોંધ મૂકી હતી. આ સમયે `કચ્છમિત્ર'ની ટીમ પણ હાજર હતી. અધિકારીને પૂછવામાં આવ્યું કે હવે બે કલાક બાકી છે ત્યારે તંત્રની ટીમ કેમ આવી ? તો જવાબ આપ્યો કે મને પૂછનાર કોણ,હું મામલતદાર છું, ગમે ત્યારે આવું ! 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer