નાના દિનારા ગામે મતદાન દરમ્યાન યુવાન ઉપર હુમલો

ભુજ, તા. 28 : તાલુકાના પચ્છમ વિસ્તારના નાના દિનારા ગામે આજે મતદાન દરમ્યાન બનેલી હુમલાની ઘટનામાં ગામના સાલમ તૈયબ સમા (ઉ.વ.21)ને પથ્થર જમણા કાન પાસે માથામાં ફટકારાયો હતો. તો બાવળના લાકડા વડે પણ તેને માર મરાયો હતો તેવી ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.કચ્છ જિલ્લામાં સરવાળે શાંતિપૂર્વક સંપન્ન થયેલા મતદાન દરમ્યાન નાના દિનારા ગામે પ્રાથમિક શાળા સ્થિત મતદાન બુથ નજીક હુમલાની આ ઘટના બની હતી. આ બાબતે ભોગ બનનાર સાલમ સમાએ ગામના ભીલાલ શકુર સમા સામે ખાવડા પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ લખાવી હતી.ફરિયાદમાં લખાવાયા મુજબ પોતાનું મતદાન કયાં છે તેની માહિતી લેવા સાલમ મતદાર યાદી લઇને બેઠેલી વ્યકિત પાસે જતો હતો ત્યારે તેને ઉભો રાખીને આરોપીએ તું અહીં કેમ આવેલો છે તેમ કહી આ હુમલો કર્યો હતો.- ભુજ આઠમા વોર્ડમાં બોલાચાલી  : બીજીબાજુ ભુજ શહેરમાં વોર્ડ નંબર આઠના એક બુથ ઉપર પોલીંગ એજન્ટને રિલીવ કરવા મુદ્દે પ્રિસાઇડીંગ ઓફિસર સાથે પક્ષના ઉમેદવારની બોલાચાલી-ચડભડ થયાં હતાં.ચર્ચાસ્પદ રહેલા આ મામલામાં બાદમાં પોલીસ કાર્યવાહી કરાઇ નથી. - ભુજ છઠ્ઠા વોર્ડમાંયે ચકમક  : જયારે ભુજમાં છઠ્ઠા વોર્ડમાં મતદાન મથકની અંદર રહેલા રાજકીય પક્ષના એજન્ટના મામલે ચકમક ઝરી હતી. અન્ય પક્ષના ઉમેદવારે વાંધો લેવા સાથે આ મામલો બન્યો હતો. આ કિસ્સો પણ બાદમાં દફતરે ચડયો ન હોવાની વિગતો મળી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer