માંડવીમાં દારૂના નામીચા ધંધાર્થી અને સાગરીતો દ્વારા હથિયારો સાથે હુમલો

ભુજ, તા. 28 : પોલીસને દારૂ વિશે માહિતી આપવાના મુદ્દે માંડવી શહેરમાં કલવાણ રોડ ખાતે માંડવીના નામીચા બુટલેગર અલી અલાયા બ્લોચ દ્વારા તેના અન્ય છ સાગરીત સાથે મળીને હુમલા અને તોડફોડની ઘટનાને અંજામ અપાયો હતો. આ ઘટનામાં ધોકા, પાઇપ અને ધારિયા સહિતના હથિયારોથી 29 વર્ષની વયના ઇમરાન ઉર્ફે ઇમલો ઉર્ફે મામદહુશેન સાલેમામદ ઓઢેજા અને તેના ભાઇ નઝીર (ઉ.વ. 25) ઘવાયા હતા. પોલીસે મહાવ્યથા સહિતની કલમો તળે ગુનો દાખલ કર્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેના મતદાનની પ્રક્રિયાની પૂર્વ રાત્રિએ ગતરાત્રે સાડા દશેક વાગ્યાના સુમારે માંડવીમાં કલવાણ રોડ સ્થિત રાઠોડ ફળિયામાં હુમલાની આ ઘટના બની હતી. આ બાબતે માંડવીના અલી અલાયા બ્લોચ, રફીક ઉર્ફે રફલો જામનગરી કાદર ઘરાણા, ઇરફાન હસણ બ્લોચ, મામદ હસણ બ્લોચ, જાવેદ હસણ બ્લોચ, ઇમરાન ઉર્ફે ચીચુ હમીદ બ્લોચ અને અલી મણિયાર સામે વિધિવત ગુનો દાખલ કરાવાયો હતો. માંડવી પોલીસે હુમલા અને મહાવ્યથા સહિતની કલમો લગાડવા સાથે છાનબીન હાથ ધરી છે. ફરિયાદને ટાંકીને પોલીસ સૂત્રોએ આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, મજૂરીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો ઇમરાન ઉર્ફે ઇમલો ઓઢેજા અને તેનો ભાઇ નઝીર ગતરાત્રે તેમના ઘર પાસે તેમની ઓફિસમાં બેઠા હતા ત્યારે ત્યાં હથિયારો સાથે આવેલા આરોપીઓ દ્વારા તેને બહાર બોલાવાયો હતો. તું દારૂ વિશે અમારી બાતમી પોલીસને કેમ આપે છે તેવું મુખ્ય આરોપી અલી અલાયા બ્લોચે પૂછતાં આ સબંધે ના પડાઇ હતી. આ પછી મામલો વધી પડતાં હથિયારો સાથે હુમલો કરાયો હતો, તો ભોગ બનનારાની કચેરીમાં દરવાજા અને ખુરશીઓમાં તોડફોડ સાથે નુકસાન કરાયું હતું. હુમલામાં કેસના ફરિયાદી ઇમરાનને માથામાંથી લોહી નીકળવા સહિતની ઇજા થઇ હતી, તો તેના ભાઇ નઝીરને પણ મુઢમાર જેવી ઇજાઓ થઇ હતી તેવું ફરિયાદમાં લખાવાયું હોવાનું પોલીસે ઉમેર્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer