ભુજમાં ધાર્મિક સ્થાન કૈલાસ ગુફાનામંદિરમાંથી 45 હજારના દાગીના ચોરાયા
ભુજ, તા. 28 : શહેરમાં ઘનશ્યામ નગર વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થાન કૈલાસ ગુફા સંકુલ ખાતેથી ધોળા દિવસે માતાજીની મૂર્તિ ઉપરના રૂા. 45 હજારની કિંમતના દાગીનાની ચોરી થતાં ચૂંટણી બંદોબસ્તમાં વ્યસ્ત પોલીસતંત્રની દોડધામમાં વધારો થયો હતો. ગઇકાલે બપોરે એકથી બે વાગ્યા દરમ્યાન આ તસ્કરી થઇ હતી, જેમાં કૈલાસ ગુફા મંદિરનું શટર ઊંચું કરીને અંદર ઘૂસેલા કોઇ હરામખોરો મોમાય માતાની મૂર્તિ ઉપર ચડાવાયેલા સોનાનો હાર, સોનાની ટીલડી અને સોનાની આસરે મળી રૂા. 45 હજારની કિંમતના આભૂષણો ઉઠાવી ગયા હતા તેવી ફરિયાદ આ ધાર્મિક સ્થાન ખાતે રહેતા નરેન્દ્રાસિંહ દેવુભા જાડેજાએ લખાવી હતી. ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે લખાવાયેલી આ ફરિયાદ મુજબ ગઇકાલે બપોરે એકાદ વાગ્યે કેસના ફરિયાદી નરેન્દ્રાસિંહ અને ગુલાબાસિંહ સોઢા બન્ને જણ શટર નીચું કરીને કૈલાસ ગુફાના માતાજી અદ્વેતગિરિજી સાથે ઉપરના માળે ભોજન માટે ગયા હતા. આ પછી બપોરે ચાર વાગ્યે માતાજીની મૂર્તિ આડેનો પડદો હટાવાતાં આભૂષણો ગુમ મળવા સાથે ચોરીનો મામલો સપાટીએ આવ્યો હતો.