તુણા બંદર બહાર ટ્રેઈલરમાં આગ લાગતાં ભસ્મીભૂત

ગાંધીધામ, તા. 28 : અંજાર તાલુકાના તુણા બંદર બહાર પાર્ક કરાયેલા ટ્રેઈલરમાં આગ લાગતાં આ વાહન સળગીને ખાખ થયું હતું. રાજસ્થાનમાં રહેનારો લાલારામ  બલાઈ નામનો યુવાન ગત તા. 26/2ના રાત્રે ટ્રેઈલર નંબર આરજે 08 જીબી 0856 લઈને તુણા બંદરે આવ્યો હતો. તે ગાડીનો ગેટ પાસ લેવા ગયો હતો અને વાહન ગેટ બહાર રાખ્યું હતું. પાસની પ્રક્રિયા પતાવીને તે પરત પોતાના વાહન બાજુ જતાં તેના વાહનમાં આગ લાગેલી જણાઈ આવી હતી. થોડીવારમાં આગે પકડ જમાવી લીધી હતી. આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબૂમાં લેવામાં આવી હતી, પરંતુ તેવામાં આ આગમાં વાહન સળગીને ખાખ થઈ ગયું હતું. આ બનાવમાં રૂા. પાંચ લાખની નુકસાનીનો અંદાજ આંકવામાં આવ્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આગ કેવી રીતે લાગી તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer