પગીવાંઢમાં જમીન બાબતે યુવાનની હત્યાના પ્રયાસના બનાવથી ચકચાર

રાપર, તા. 28 : તાલુકાના પગીવાંઢમાં જમીન બાબતે ત્રણ શખ્સે ધારિયા વડે હુમલો કરી યુવાનની હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે બનેલા આ બનાવના પગલે પોલીસ બેડામાં ભારે દોડધામ થઈ પડી છે.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી  વિગતો મુજબ આ  બનાવ ગત  તા. 27ના સાંજે 6 વાગ્યાના અરસામાં પગીવાંઢ ગામના બસ સ્ટેશન પાસે બન્યો હતો. આરોપી શંકર પોપટ કોલી, સુખદેવ પોપટ કોલી અને બાંયા પોપટ કોલીએ ફરિયાદી નવીન રામજી કોલીના ભાઈ નરશી રામજી કોલી ઉપર ધારિયા અને લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. સાહેદ યુવાનને જડબાંના ભાગે ગંભીર પ્રકારની ઈજા  પહોંચી હતી. તેને રાપર ખાતે પ્રાથમિ સારવાર અપાયા બાદ તાકીદની સારવાર માટે ભુજ જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે.પોલીસ ફરિયાદમાં જણાવાયા પ્રમાણે આરોપી શંકર પોપટ કોલીએ  ફરિયાદીના પિતાની દોઢેક એકર જેટલી જમીન પોતાના ખેતરમાં  25 વર્ષ પૂર્વે વાળી લીધી હતી. તેમાં ઈસબગુલનો પાક લીધો હતો. ફરિયાદીએ આરોપીને ઈસબગુલનો પાક ઊતરી ગયા બાદ વાળેલી દોઢ એકર જમીન પરત આપવા કહ્યું હતું. આ બાબત બનાવ પાછળ કારણભૂત હોવાનું પોલીસે કહ્યું હતું. પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer