એશિયા કપ રદ થવાની શક્યતા

નવી દિલ્હી, તા. 28 : એશિયા કપ-2021 પર ફરી સંકટના વાદળો છવાયા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના અધ્યક્ષ અહેસાન માનીએ આજે કરાચીમાં કહ્યંy છે કે, જો ટીમ ઇન્ડિયા આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)ની ફાઇનલમાં પહોંચી જશે તો આ વર્ષે એશિયા કપ આયોજિત થશે નહીં. તેમનું એવું પણ માનવું છે કે આ વર્ષે ભારતમાં રમાનાર ટી-20 વર્લ્ડ કપ લગભગ યુએઇમાં શિફટ થશે. મીડિયા સાથેની વાતચીતમાં પીસીબીના અધ્યક્ષ અહેસાન માનીએ વધુમાં જણાવ્યું કે એશિયા કપ ગયા વર્ષે રમાવાનો હતો. જે કોરોના મહામારીને લીધે આ વર્ષે રમવાનો છે, પણ આજની વાત કરું તો મને નથી લાગતું કે આ વર્ષે પણ એશિયા કપ રમાશે.  જો ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચશે તો એશિયા કપ ફરી સ્થગિત થશે. બીજી તરફ શ્રીલંકા કહે છે કે, તેઓ જૂનમાં આ ટૂર્નામેન્ટ રમાડવા તૈયાર છે. માની કહે છે કે, મને લાગે છે કે ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચી જશે. જો કે અમે રાહ જોઇ રહ્યા છીએ. ભવિષ્યમાં એશિયા કપનું આયોજન કેમ કરવું તે નક્કી કરવું રહ્યંy. માની કહે છે કે, ભારતમાં ઓક્ટોબરમાં ટી-20 વર્લ્ડ કપ રમાવાનો છે. જે માટે અમારા ખેલાડીઓને વિઝા અને સુરક્ષા સહિતના બીજા આશ્વાસન ભારત સરકાર કે બીસીસીઆઇ તરફથી મળ્યા નથી. કોરોનાનો પણ ખતરો છે. આઇસીસી અને બીસીસીઆઇ વચ્ચે ટેકસ છૂટનો પણ મુદ્દો છે. આથી ટી-20 વિશ્વ કપ યુએઇમાં લગભગ શિફટ થઇ શકે છે. આ ફેંસલો 31 માર્ચ સુધીમાં થઇ જશે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે, ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોંચવા માટે ઇંગ્લેન્ડ સામેની ચોથી અને આખરી ટેસ્ટ ભારતીય ટીમે જીતવી અથવા તો ડ્રો કરવાની રહેશે. જો ભારતની હાર થશે તો ન્યૂઝીલેન્ડ સામે ઓસ્ટ્રેલિયાને ફાઇનલમાં રમવાનો મોકો મળશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer