ટી-20 શ્રેણી ઇંગ્લેન્ડના 8 ખેલાડી અમદાવાદમાં પહોંચ્યા

અમદાવાદ, તા.28: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝનો ચોથો અને આખરી મેચ ફરી એકવાર દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી-મોટેરા સ્ટેડિયમ પર તા. 4 માર્ચથી શરૂ થશે. જે ડે-નાઇટ નથી. આથી આ મેચ સવારે 9-30થી શરૂ થશે અને પરંપરાગત લાલ દડાથી રમાશે. ત્રીજા ટેસ્ટની ખતરનાક ટર્નિંગ વિકેટની સતત ટીકા થઇ રહી છે. હવે એવા રિપોર્ટ છે કે લાલ દડાથી રમાનાર ચોથા ટેસ્ટની પિચ સપાટ હશે. જેથી બેટધરોને મોટી ઇનિંગો રમવાની તક મળશે. ચોથા ટેસ્ટની સમાપ્તિ બાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મોટેરા સ્ટેડિયમ ખાતે જ પાંચ ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમાશે. જે 12, 14, 16, 18 અને 20 માર્ચે રમાશે. જે તમામ મેચ સાંજે 7-00 વાગ્યાથી રમાશે. આ શ્રેણીમાં પણ પ0 ટકા દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રી મળશે. આ શ્રેણી માટે ઇંગ્લેન્ડના 8 ખેલાડીઓનું આજે અમદાવાદમાં આગમન થયું છે. તેઓએ સાત દિવસ કવોરન્ટાઇનમાં રહેવું પડશે. તમામને હોટલના અલગ અલગ રૂમમાં રાખવામાં આવ્યા છે. ઇંગ્લેન્ડની ટીમ જે 8 ખેલાડી અમદાવાદ પહોંચ્યા છે. તે જેસન રોય, સેમ બિલિંગ્સ, સેમ કરન, ટોમ કરન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, રીસિ ટોપલે અને જેક બેલ છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે ટી-20 શ્રેણી પછી પૂણે ખાતે 23, 26 અને 28 માર્ચે ત્રણ ડે-નાઇટ મેચ રમાશે. જે બપોરે 1-30થી શરૂ થશે. પૂણેમાં કોરોના મહામારીએ ફરી માથું ઉચકયું છે. આથી વન ડે શ્રેણી ખાલી સ્ટેડિયમમાં રમાડવાનો નિર્ણય લેવાયો છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer