સેન્સેક્સ 50 હજાર નીચે
મુંબઇ, તા. 22 : ભારતીય શેરબજારમાં ઘટાડાનો દોર સતત પાંચમા દિવસેય જારી રહેતાં આજે મુંબઇ શેરબજારનો ભાવાંક સેન્સેક્સ 1145.44 આંક ગગડીને 50,000ની સપાટી નીચે 49,744.32 બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો ભાવાંક નિફ્ટી પણ બે ટકા ફસડાઇને 306 આંક તૂટવા સાથે 14,675 પર બંધ રહ્યો હતો. રોકાણકારોની 4 લાખ કરોડની મૂડી ધોવાઇ હતી. યુ.કે. સહિતના દેશોમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન તથા વધેલા કેસ અને ભારતમાં પણ કેટલાક રાજ્યોમાં વધી રહેલા કેસોથી ચિંતામાં મુકાયેલા સ્થાનિક અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ભારે વેચવાલી કરતાં સોમવારે સપ્તાહના ઉઘડતા બજારે જ કોહરામ મચ્યો હતો. ચોમેર વેચવાલીથી બી.એસ.ઇ. લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 4.1 લાખ કરોડ રૂપિયા ઘટીને 199.88 લાખ કરોડ રૂપિયા થઇ?ગયું છે, જે શુક્રવારે 203.98 લાખ કરોડ હતું. છેલ્લા ચાર સપ્તાહમાં ફરી રાજ્યમાં વધતા કોરોના કેસો ઉપરાંત વધતી મોંઘવારીએ પણ નવાં રોકાણનું માનસ બગાડયું છે. વિશ્લેષકોનું માનવું છે કે દશ વર્ષની બોન્ડ યીલ્ડ વધવાથી ચિંતા છે, જે ફુગાવાનું કારણ હોઇ?શકે છે. પરિસ્થિતિ કાબૂમાં ન આવે તો ફરી લૉકડાઉન જાહેર કરવો પડશે એવી ચીમકી ગઈ કાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને રાજ્યના નાગરિકોને સંબોધન કરતા આપી હતી. ઉપરાંત ફ્યુચર્સ ઍન્ડ અૉપ્શન્સ (એફઍન્ડઓ)ના માસિક કૉન્ટ્રેક્ટ્સની એક્સપાઈરીનું આ છેલ્લું સપ્તાહ હોવાથી બજારમાં ઉતાર-ચડાવ વધતાં ઇન્ડિયા ઉતાર-ચડાવ ઈન્ડેક્સ 11 ટકા વધ્યો હતો. ઓએનજીસી, કોટક મહિન્દ્ર બૅન્ક અને એચડીએફસી બૅન્કના શૅરના ભાવ એક ટકા જેટલા વધ્યા હતા. બીજી બાજુ ટેક મહિન્દ્ર (પાંચ ટકા), મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર (4.5 ટકા), ડૉ. રેડ્ડી'સ લેબ (4.5 ટકા), રિલાયન્સ, ઈન્ડસઈન્ડ બૅન્ક, એક્સિસ બૅન્ક, ટીસીએસ (4 ટકા) અને મારુતિ સુઝુકી (3 ટકા)ના ભાવ ઘટયા હતા. બજારમાં નોંધપાત્ર ઘટાડા વચ્ચે બીએસઈમાં 200થી વધુ શૅર્સ બાવન અઠવાડિયાંની ઉપલી સપાટીને સ્પર્શયા હતા જેમાં જુબિલન્ટ ફૂડવર્ક્સ, વેદાંત, સ્ટરલાઈટ ટેકનૉલૉજીસ અને હિન્દાલકોનો સમાવેશ છે. મેટલ શૅરોમાં ધૂમ તેજી હતી.