ટેસ્ટિંગ વધારવા રાજ્યોને નિર્દેશ

નવી દિલ્હી, તા. 21 : કોરોના સંક્રમણમાં પુન: ઉછાળા વચ્ચે કેન્દ્ર સરકારે રવિવારે રાજ્યોને સતત નિયમનની સાથે આરટી-પીસીઆર ટેસ્ટનું પ્રમાણ વધારવાનો નિર્દેશ આપ્યો હતો. તમામ નેગેટિવ રેપિડ એન્ટિજન ટેસ્ટ બાદ આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવાનો નિર્દેશ અપાયો છે. ઉપરાંત જ્યાં સંક્રમણ વધુ છે તેવા જિલ્લાઓમાં કન્ટેઈનમેન્ટનું ચુસ્ત પાલન કરાવી, કડક નિયમન પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવાની સૂચના અપાઇ છે. વધુ મોત છે તેવા જિલ્લાઓમાં ક્લિનિકલ વ્યવસ્થાપન વધુ મજબૂત કરવાનો નિર્દેશ પણ સંક્રમણ સામે સતર્ક કેન્દ્રએ આપ્યો હતો. પરીક્ષણ દ્વારા મ્યૂટેશન વધારતા સ્ટ્રેન પર સતત નજર રાખીને સમય ખોયા વિના જરૂરી તમામ પગલાં લેવાની સલાહ રાજ્યોને અપાઇ છે. રોજ સામે આવતા નવા કેસોમાં અચાનક શરૂ થવા માંડેલા વધારાથી ચિંતિત બની ગયેલી કેન્દ્ર સરકારે રેપિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો હોય તેવા વ્યક્તિનું પણ આરટી-પીસીઆર ફરજિયાત કરવાનો નિર્દેશ રાજ્યોને આપી દીધો છે. ખાસ ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડાક દિવસથી દેશમાં નવા સંક્રમણના મામલા વધવાની સમાંતરે સારવાર લઇ રહ્યા છે તેવા સક્રિય કેસોની સંખ્યા પણ રોજેરોજ વધવા લાગી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer