કચ્છના કારીગરોની કળાને રાષ્ટ્રીય સ્તરનો એવોર્ડ

અમદાવાદ, તા. 22 : કચ્છના કારીગર તરીકેની વ્યક્તિગત બ્રાન્ડ ઊભી કરનારા એકમાત્ર કારીગર પાબીબેન રબારીની સહયોગી સંસ્થા કારીગર ક્લિનિકને તેની ઉત્તમ અને અનોખી કામગીરી માટે `મોસ્ટ ક્રિએટિવ માર્કેટિંગ સ્ટ્રેટેજી'નો એવોર્ડ મળ્યો છે. કોવિડ-19 મહામારીને અનુલક્ષીને લોકડાઉનના સમય દરમ્યાન ઓલ ઈન્ડિયા આર્ટિસન્ટ્સ એન્ડ ક્રાફ્ટ વર્કર્સ વેલ્ફેર એસોસીએશન દ્વારા રાષ્ટ્રીય સ્તરે હસ્તકલાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન પ્રદાન કરતા વ્યક્તિઓ અને સંસ્થાઓ પાસેથી આવેદન મગાવ્યા હતા. જેમાં સમગ્ર ભારતમાંથી દોઢ લાખથી વધુ કારીગરો અને સંસ્થાઓની ભાગીદારી નોંધાઈ હતી. વિવિધ ક્ષેત્રના પરિપ્રેક્ષ્યમાં નિષ્ણાતો દ્વારા 3 સ્તરમાં ચકાસણી કરીને એવોર્ડ માટે પસંદ કરાયા હતા. આખરી સ્તર પર માત્ર 140ની અંતિમ યાદી બનાવાઈ હતી. જેમાં કારીગર ક્લિનિકને એવોર્ડ સાથે મેડલ, સર્ટિફિકેટ અને રૂા. બે લાખના રોકડ પુરસ્કારનો સમાવેશ થાય છે. એ એવોર્ડ માટેનો શ્રેય તેની સમગ્ર ટીમને આપ્યો છે. નોંધનીય બાબત એ છે કે પાબીબેન ખુદ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા છે અને થોડા દિવસો પહેલાં તેઓ કૌન બનેગા કરોડપતિ શોમાં ગેસ્ટ બનીને અમિતાભ બચ્ચનને મળી આવ્યાં છે. કારીગર ક્લિનિકના ફાઉન્ડર ડો.નીલેશ પ્રિયદર્શીએ કહ્યું કે, તેમના ક્લિનિકમાં કારીગરનું `િબઝનેસ હેલ્થ ચેકઅપ' કરવામાં આવે છે. ત્યારબાદ કારીગરને સફળ ઉદ્યોગસાહસિક કેવી રીતે બનાવી શકાય તેના પર કામ કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે કારીગર ક્લિનિક દ્ધારા કારીગરનાં નામની બ્રાન્ડ તૈયાર કરવામાં આવે છે જેના માલિક કારીગર પોતે હોય છે. તેઓ કચ્છના વધુ એક કારીગરની પોતાની બ્રાન્ડ ઊભી કરવા માટે તૈયારી કરી રહ્યા છે અને ભવિષ્યમાં તેમનાં આ પ્રોજેક્ટને બીજા રાજ્યોમાં વિસ્તારવાનું આયોજન પણ છે. લોકડાઉનના સમય દરમિયાન પાબીબેન.કોમ અને કારીગર ક્લિનિકે બનાવેલા `લોકલ ગિફ્ટ બોક્સ'ને માર્કેટમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. નીલેશભાઇએ આ વિશે જણાવ્યું કે અમે લોકલ ગિફ્ટ બોક્સના વિચારને ખૂબ જ અલગ રીતે માર્કેટમાં લઇને ગયાં અને બહુ જ ઓછા ખર્ચ અને સમયમાં વધારેમાં વધારે લોકો સુધી લોકલ ગિફ્ટ બોક્સ પહોંચાડી શક્યા. તેમનાં ગિફટ બોકસની ખરીદી માટે આંતરરાષ્ટ્રીય ઓર્ડરો મળ્યા સાથે સાથે ભારતનાં 20 જેટલા રાજ્યોના નાના મોટા શહેરોમાંથી પણ ઓર્ડર મળ્યા હતા. ગીરના જંગલનાં નાના નેસડામાં રહેતા અતિ સામાન્ય પરિવારમાંથી પણ લોકોએ ગિફટ બોક્સની ખરીદી કરી.