મુંદરા કસ્ટોડિયલ ડેથમાં જમીન-લાખોની રકમ કારણભૂત

ભુજ, તા. 22 : રાજ્યભરમાં ચકચારી બનેલા મુંદરા કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં આરોપી એવા સમાઘોઘાના માજી સરપંચ જયવીરસિંહ વિક્રમસિંહ જાડેજાના આજે રિમાન્ડ પૂર્ણ થતાં જયવીરસિંહે રિમાન્ડ દરમ્યાન જમીન અને પૈસા અંગે આપેલી વિગતો પર પોલીસે ધ્યાન કેન્દ્રિત કરી વિવિધ કચેરીઓમાંથી માહિતી એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે. ગત તા. 18મીના લોનાવાલાથી જયવીરસિંહને દબોચીને તેના રિમાન્ડ મેળવી પોલીસે સઘન પૂછતાછ કરતાં જમીન અને મસમોટી લાખની રકમ જેવી બાબતો સપાટી પર આવી હોવાનું આ પ્રકરણના તપાસનીશ અધિકારી ભુજ વિભાગના નાયબ પોલીસ અધિકારી જે. એન. પંચાલે જણાવ્યું હતું. શ્રી પંચાલે જણાવ્યું કે, રિમાન્ડ દરમ્યાન જયવીરસિંહે આપેલી કેફિયત મુજબની જમીનોની વિગતોની માહિતી નર્મદા નિગમમાંથી મેળવવાની કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે. આ ઉપરાંત જમીન સંબંધિત કોને કેટલા રૂપિયા મળવાના હતા તેમજ જયવીરસિંહની ભૂમિકા બદલ તેને ક્યાંથી કેટલા નાણાં મળવાના હતા તે સમગ્ર બાબતે સર્વગ્રાહી કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે. આમ, વિવિધ કચેરીઓમાંથી વિગતો મળ્યા બાદ આ પ્રકરણ પરથી પડદો ઊંચકાય અને વધુ કડાકા-ભડાકા થાય તેની પણ સંભાવના જોવાઇ રહી છે. જમીન રેકર્ડ સંબંધિત કચેરીઓ તથા મામલતદાર કચેરી પણ પોતાની રીતે આ જમીન અંગે તપાસ કરી રહી હોવાનું પણ જાણવા મળે છે. જયવીરસિંહના આજે સાંજે રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીના હવાલે કરતાં જેલમાં રવાના કરી દેવાની પણ વિગતો પોલીસ સૂત્રો પાસેથી મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ચકચારી પ્રકરણ પાછળ સમાઘોઘાના માજી સરપંચ જયવીરસિંહની ભૂમિકા સૂત્રધાર સ્વરૂપે જોવાઇ રહી હતી. જમીન અને 72 લાખ જેવી મસમોટી રકમ અન્વયે આ માજી સરપંચે પોલીસને હાથો બનાવી સમગ્ર કાંડને અંજામ અપાવ્યો હોવાની ફરિયાદો પણ પોલીસ સમક્ષ થઇ ચૂકી હતી. આમ, રિમાન્ડ દરમ્યાન સૂત્રધારે ઓકેલી વિગતોની તલસ્પર્શી તપાસ શરૂ થઇ ચૂકી છે અને આગામી દિવસોમાં વિગતો મળતાં આરોપીઓ પરનો પોલીસનો સકંજો વધુ મજબૂત બને અને વધુ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી સંભાવના જોવાઇ રહી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer