કચ્છની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભ્રષ્ટાચારમુક્ત શાસનનો કોંગ્રેસનો કોલ

ગાંધીધામ, તા. 22 : કચ્છ-ગુજરાતમાં યોજાઇ રહેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઇને અહીં આવેલા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સચિવ અને ગુજરાતના સહપ્રભારી જિતેન્દ્ર બધેલે અહીં પત્રકાર પરિષદને સંબોધતાં કચ્છની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભ્રષ્ટાચારમુક્ત શાસનનો કોલ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં શિક્ષણ, ચિકિત્સા, સ્વાસ્થ્ય અને રોજગારી નિર્માણનાં ક્ષેત્રોમાં કોંગ્રેસ કામ કરવા માગે છે. નાગરિકોની મૂળભૂત સમસ્યાઓને દૂર કરવા પક્ષ કટિબદ્ધ છે. તેમણે ભારતીય જનતા પક્ષનાં શાસનને ભ્રષ્ટ ગણાવીને જો કોંગ્રેસને સત્તા મળશે, તો ભ્રષ્ટાચારમુક્ત વહીવટની ખાતરી ઉચ્ચારી હતી. કચ્છના ચૂંટણી ઇન્ચાર્જ માંગીલાલભાઇએ ભાઇપ્રતાપની કલ્પનાના ગાંધીધામ-આદિપુર શહેરને સુંદર શહેર બનાવવાનું તથા આકર્ષક પ્રવેશદ્વાર સાથેના સમગ્ર દેશમાં ચર્ચાય તેવું શહેર બનાવવાનું વચન આપ્યું હતું. જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ યજુર્વેન્દ્રસિંહ જાડેજાએ જિલ્લા, તાલુકા પંચાયતો તથા નગર- પાલિકાઓમાં કોંગ્રેસનાં આવી રહેલાં શાસનનો દાવો કરતાં કહ્યું હતું કે, જિલ્લામાં કથળી ગયેલી આરોગ્ય સેવા સુધારવી, પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધારવું તથા ભ્રષ્ટાચારમુક્ત વહીવટ એ કોંગ્રેસની પ્રાથમિકતા હશે. શહેર કોંગ્રેસ પ્રમુખ સંજયભાઇ ગાંધીએ નગર- પાલિકા માટેના પક્ષના ચૂંટણી ઢંઢેરાની વિગતો આપી હતી, જેમાં ગટર, રસ્તા, પાણી, દીવાબત્તી વગેરેની વ્યવસ્થા ભાજપના ગેરવહીવટને કારણે પડી ભાંગી છે, ત્યારે તેને સુધારવા, પાલિકાને મહાનગરપાલિકામાં ફેરવવા, શહેરને રજમુક્ત બનાવવા, રામ બસેરા ઊભું કરવાની નેમ વ્યક્ત કરી હતી. શરૂમાં અગ્રણી હાજી જુમા રાયમાએ સૌને આવકાર્યા હતા. ગોવિંદભાઇ દનીચા સહિતના અનેક આગેવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.