વૃદ્ધત્વને જીવવાની અને માણવાની અપાયેલી શીખ

ભુજ, તા. 19 : વસંતને માણવા માટે જાગૃત રસિકજન જોઈએ એવું જાગૃતિબેન વકીલને ત્યાં ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો આનંદ વ્યક્ત કરતાં જાણીતા કેળવણીકાર હરેશભાઈ ધોળકિયાએ તેમની બે પુસ્તિકાનું વિમોચન કરતી વેળાએ જણાવ્યું હતું. સ્વ. વસંતબેન રસિકલાલ વકીલના જન્મદિન વસંત પંચમીએ લેખિકા જાગૃતિ વકીલના લેખનાં પુસ્તક ઈન્દ્રધનુષ (બે), જે વસંતબેન રસિકલાલ પરિવાર દ્વારા પ્રકાશિત અને ઈન્સ્ટિટયૂટ ઓફ યૂથ ડેવલપમેન્ટ-ભુજ પ્રકાશિત વાર્તાના પાંચિકાનું પુસ્તિકા સ્વરૂપે વિમોચન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. શરૂઆતમાં કુમારી જિજ્ઞા જોશીએ સ્વાગત કર્યું હતું. કિશોરસિંહ રાઠોડે શરૂઆત કરાવી હતી. ઈન્સ્ટિટયૂટ ઓફ યૂથ ડેવલપમેન્ટના પ્રમુખ રસનિધિ અંતાણીએ પોતાની આંગળી પકડીને ચાલતી નાનકડી જાગૃતિ જાગૃત રહીને પોતાના સાથે મક્કમ કદમ મિલાવતી કાર્ય કરતી હોવાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. સંસ્થાના આજીવન ટ્રસ્ટી શશિકાંતભાઈ ઠક્કરે લેખિકાના તેમનાં માતાની સ્મરણાંજલિ રૂપે યોજાયેલા અહીંના ચોથા કાર્યક્રમમાં નવમા અને દસમા પુસ્તક વિમોચન પ્રસંગે સામાજિક સંવેદનાને આવકારી હતી. અધ્યક્ષસ્થાને હરેશભાઈએ વિદ્યાર્થિનીનાં સો પુસ્તકોનું મારા હસ્તે વિમોચન થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરતાં વયસ્ક વડીલોને પુસ્તકો સાથે પ્રેમ કરતાં કરતાં જિંદગીને પ્રેમ કરી, વૃદ્ધત્વને જીવવાની અને માણવાની શીખ આપી હતી. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના સિનિયર લેક્ચરર સંજય ઠાકરે પુસ્તક લેખનની દશાબ્દીને આવકારી હતી. કુ. રીતુ ગોરે બંને પુસ્તિકાનો રસાસ્વાદ કરાવ્યો હતો. લેખિકાએ પોતાનાં માતા-પિતાને ગુરુપદે સ્થાપ્યાં અને એમની છબી અહીંના વડીલોની આંખોમાં મળતી હોવા સાથે તેમના આશિષથી પોતાની કલમ ચાલે છે એવું જણાવ્યું હતું. ઈશ્વરભાઈ ઠક્કર, મહામંત્રી ભરતભાઈ ભીંડે, નટવરલાલ રાયકુંડા, જયંતીલાલ દૈયા મંચસ્થ રહ્યા હતા. કલ્પનાબેન ચોથાણી, કુ. રિતુ પૂજારાએ તથા અન્યોએ હાજરી આપી હતી. આભારવિધિ ઈન્સ્ટિટયૂટના મંત્રી નિલેશ મહેતાએ કરી હતી. સંચાલન ઉષ્મા શુક્લએ કર્યું હતું.