અંજારમાં યોજાયેલા પુસ્તકમેળામાં અઢી લાખના પુસ્તકોની ખરીદી

અંજારમાં યોજાયેલા પુસ્તકમેળામાં  અઢી લાખના પુસ્તકોની ખરીદી
અંજાર, તા. 22 : રોટરી કલબ અંજાર તરફથી સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટના સહકારથી તાજેતરમાં અંજાર મધ્યે રોટરી હોલમાં `પુસ્તક મેળા'નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શરૂઆતથી ઉત્સાહભેર મોટી સંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો હતો. બે દિવસના આ પુસ્તક મેળામાં મૂળ કિંમત લગભગ 2.25 લાખના પુસ્તકોની લોકોએ ખરીદી કરી હતી. રોટરી કલબ, અંજાર દર વષે બે વખત પુસ્તક મેળાનું આયોજન કરે છે. આ 26મો પુસ્તક મેળો હતો, જેમાં 40થી 60 ટકા રિબેટ (કમિશન) આપવામાં આવ્યું હતું. પુસ્તક મેળાનું ઉદ્ઘાટન રોટરી કલબ-અંજારના પ્રમુખ હિરેલભાઇ શાહ, સેક્રેટરી રાજેશભાઇ પલણ, પ્રોજેક્ટ ચેરમેન ચંદ્રકાન્ત પલણના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં રોટેરિયન કાનજીભાઇ સોરઠિયા, રાજ સોમૈયા, ધર્મેશભાઇ ઠક્કર, વેલજીભાઇ આહીર, હરેશભાઇ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. આ પુસ્તક મેળામાં ગુજરાતી, હિન્દીના લબ્ધ પ્રતિષ્ઠિત પ્રકાશકોએ પ્રકાશિત કરેલા તદ્દન નવા વિજ્ઞાન, ટેક્નોલોજી, મોટીવેશન, સાહિત્ય, બાળ સાહિત્ય, શાળા-કોલેજના વિદ્યાર્થીઓને ઉપયોગી, આરોગ્ય લક્ષી, ધાર્મિક, સામાજિક, ઉત્તમ પુસ્તકોનું વેચાણ કરવામાં આવ્યું હતું. અંગ્રેજી પુસ્તકોની માંગ થતાં સ્ટોલ ખોલવામાં આવ્યો હતો, જેમાં પણ અંદાજિત મૂળ કિંમતના પચ્ચીસ હજારના પુસ્તકોનું વેચાણ થયું હતું. મેળાને સફળ બનાવવા રોટેરિયન પ્રવીણ સોરઠિયા, દીપક શેઠિયા, કિરણ શાહ, જિગર ઠક્કર, ધર્મેશ પલણ, રાજા દક્ષિણીનો સહકાર મળ્યો હતો. પ્રવીણભાઇ ગુંસાઇ, કૌશિક શાહ, અમૃત સરનો વિશેષ સહકાર મળ્યો હતો. સમગ્ર પુસ્તક મેળાનું સંચાલન પ્રોજેક્ટ ચેરમેન ચંદ્રકાન્ત એસ. પલણે સંભાળ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer