ગાંધીધામ પાલિકાના વોર્ડ નં. 2માં ભાજપ કાર્યકરો સામે મહિલાઓ રોષે ભરાઇ

ગાંધીધામ, તા. 22 : સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે રાજકીય પક્ષો દ્વારા ડોર-ટુ-ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે અહીંની પાલિકાના વોર્ડ નંબર બેમાં આવતા આદિપુર વિસ્તારોમાં સત્તાપક્ષના કાર્યકર્તાઓ પ્રચાર અર્થે જતાં પૂર્વ નગરસેવકની કામગીરીને લઇને ગટર, પાણી, સફાઇ મુદ્દે મહિલાઓએ દેકારો મચાવતાં આ કાર્યકર્તાઓને નાસી જવાનો વારો આવ્યો હતો. નગરપાલિકાના વોર્ડ-બેમાં આવતા આદિપુરના સિન્ધુ વર્ષા વગેરે વિસ્તારોમાં સત્તાપક્ષના પૂર્વ નગરસેવક દિનેશ લાલવાણીનો વિરોધ નોંધાયો હતો, જે અંગે લેખિતમાં રજૂઆતો પણ થઇ હતી. હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી પહોંચી છે. તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે આદિપુરના આ વિસ્તારમાં આજે સાંજે સત્તાપક્ષ ભાજપના કાર્યકર્તાઓ ડોર-ટુ-ડોર પ્રચાર અર્થે ગયા હતા, જ્યાં ગટર, પાણી, દીવાબત્તી, સાફ-સફાઇ, ગટરની ચેમ્બરોનાં ઢાંકણા વગેરે મુદ્દે મહિલાઓએ આ કાર્યકર્તાઓને તીખાં વેણ સંભળાવ્યાં હતાં અને જેમને ટિકિટ મળી છે તેમને અહીં બોલાવો તેવી માંગ કરી હતી તેમજ ઢોલ-નગારાં બંધ કરાવી નાખ્યાં હતાં. આ હકીકત દર્શાવતા અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, જેને સત્તાપક્ષ તરફથી ટિકિટ મળી છે, તે ઉમેદવાર આવ્યા જ નહોતા. મહિલાઓનો વિરોધ જોઇને આ ઉમેદવાર બારોબાર છટકી ગયા હતા, જ્યારે પ્રચાર અર્થે આવેલા કાર્યકરો પાસેથી લેખિતમાં બાંહેધરી માગવામાં આવતાં આ કાર્યકર્તાઓ પણ ઊભી પૂંછડીએ નાઠા હતા તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. શરૂઆતથી જ આ વોર્ડમાં વિરોધનો સૂર રહ્યો છે, તેમ છતાં તેમનું કોઇએ ન સાંભળતાં આજે મહિલાઓએ વિરોધ દર્શાવીને પોતાનો પરચો આપી દીધો હતો. હવે આગામી સમયમાં આ મતદારોનો ઝોક કઇ બાજુ ઢળે છે તે જોવાનું રહ્યું.