આદિપુરના બંધ મકાનને નિશાને લઇ તસ્કરોએ કર્યો 1.60 લાખનો હાથફેરો

ગાંધીધામ, તા. 22 : આદિપુરના વોર્ડ 4-એમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો તેમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ એમ કુલ રૂા. 1,60,000ની મતાની ચોરી કરી નાસી ગયા હતા તેમજ ગાંધીધામના કાર્ગો પાસે વીજતંત્રના રૂા. 13,000ના સામાનની ચોરી થઇ હતી. આદિપુરના વોર્ડ 4-એ રામબાગ રોડ, પ્લોટ નંબર 153માં રહેનારા અમિત કરશન કોચરા (મહેશ્વરી) અંજારમાં પૂર્વા પેટ્રોલિયમમાં મેનેજર તરીકે નોકરી કરે છે. આ ફરિયાદી યુવાનના કાકા જગદીશભાઇ કોચરાનું અવસાન થતાં આ ફરિયાદી પોતાના પરિવાર સાથે ગાંધીધામના સેક્ટર-પાંચ વિસ્તારમાં ગયા હતા જ્યાં આ ફરિયાદી અને તેમનો પરિવાર ધાર્મિકક્રિયામાં રોકાયેલો હતો. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, તેમના બંધ મકાનમાંથી ગત તા. 17-2થી આજે સવાર દરમ્યાન ચોરીનો બનાવ બન્યો હતો. આ બંધ મકાનના દરવાજાના તાળાં તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા અને અંદરના કબાટમાંથી સોનાની પાંચ વીંટી, સોનાની કાનની બુટી જોડ નંગ-1, હાથમાં પહેરવાનું સોનાનું કડું, ઘડિયાળ, રોકડા રૂપિયા 25,000 એમ કુલ રૂા. 1,60,000ની મતાની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા. ચોરીના આ બનાવને કારણે ભારે ચકચાર પ્રસરી હતી. આદિપુરમાં અગાઉ થયેલી ચોરીના અનેક બનાવોમાં હજુ સુધી પોલીસને સફળતા મળી નથી તેવામાં વધુ એક ચોરીના બનાવથી પોલીસમાં દોડધામ થઇ પડી હતી. ચોરીનો બીજો એક બનાવ ગાંધીધામના કાર્ગો વિસ્તાર નજીક રેલવે પાટા પાસે બન્યો હતો. અહીં પી.જી.વી.સી.એલ. દ્વારા જી.ઇ. ડીઝલ લોકોમેટિવ (વેસ્ટર્ન રેલવે)ના એમ.ટી. જોડાવાનું કેબલ ચાર્જ માટેનું કામ ચાલુ કરાયું હતું, જેના માટે વીજતંત્રનો સામાન અહીં રાખવામાં આવ્યો હતો. અહીંથી જી.આઇ. પાઇપ નંગ બે, લોખંડનું એન્ગલ, સાઇડ ક્લેમ્પ નંગ 4, આઉટ ડોટ વાયર, બોક્સ કિટ નંગ 1 એમ કુલ રૂા. 13,000ના સામાનની કોઇ શખ્સોએ ચોરી કરી હતી. ચોરીના આ બનાવ અંગે આદિપુર પી.જી.વી.સી.એલ. (રામબાગ) સબ ડિવિઝનના નાયબ ઇજનેર ભરત ભગવાનજી ચૌહાણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ સંકુલમાં આવા સામાનની ચોરી કરી તસ્કરો ભંગારના અમુક વાડામાં વેચી દેતા હોય છે. આવા વાડાના સંચાલકો અને વાડાની નીતિમત્તાની તપાસ કરવામાં આવે તો અનેક ચોરીના ભેદ ઉકેલાઇ જાય તેમ છે છતાં પોલીસ આવું ન કરતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer