ભચાઉમાં કોરોના સામે તંત્ર જાગૃત પણ લોકો બિનધાસ્ત
ભચાઉ, તા. 22 : મુંબઇ, મહારાષ્ટ્રમાં કોરોના વકરતાં મુંબઇથી આવતી કચ્છ એક્સપ્રેસ, સયાજીનગરીમાં ભચાઉની આરોગ્ય ટીમ પુન: સાવધ બની છે. સવારે ચાર અને છ વાગ્યે સ્કેનીંગ નોંધણી કરાય છે, તો બ્લોક હેલ્થ ઓફિસ દ્વારા ગ્રામ્ય તલાટીઓને પણ મુંબઇ અથવા બીજા રાજ્યોથી આવતા લોકેની તપાસ કરવાની સૂચના અપાઇ છે. જો કોઇને શરદી, તાવનું પ્રમાણ વધુ હોય તો ભચાઉ સામૂહિક આરોગ્ય કેન્દ્રને જાણ કરવાનું કહેવાયું છે. મુંબઇથી અનેક પરિવારો કેટલાક સંઘ સ્વરૂપે સ્પેશિયલ બસ, લકઝરી-કોચ દ્વારા આવી રહ્યા છે. તેમાંયે ચૂંટણીમાં મુંબઇથી વાગડવાસીઓ આવે તેવી સંભાવના જોવાઇ રહી છે. ઉપરાંત હવે ધાર્મિક પ્રસંગોમાં સામૂહિક ભોજન કાર્યક્રમો થઇ રહ્યા છે. સંખ્યા પર કોઇ લગામ રહી નથી. વહીવટી તંત્રની કોઇ લગામ, રોકટોક રહી નથી. જાણે કોઇ અંકુશ ન હોય તેવું ચિત્ર સ્પષ્ટ બન્યું છે. રહેઠાણ વિસ્તારમાં દિવસભર નાની જગ્યામાં એકઠી થતી ભીડ અને અવર જવર અન્યો માટે મુસીબત સર્જે તેવી ભીતિ સેવાઇ રહી છે. આ ચૂંટણીમાં રાજકીય પક્ષોએ પણ જમણવાર, મોટી, લાંબો સમય ચાલતી સભાઓનો ત્યાગ કરી ડોર ટુ ડોર કે ખાટલા બેઠકો કરી છે. ત્યારે જાહેર સમારંભ લગ્નો, ધાર્મિક પ્રસંગો કોરોના સંક્રમણને વધારે તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. સ્કૂલો શરૂ થઇ છે. ધોરણ 10-12ની પરીક્ષાઓની તૈયારી કરતા છાત્રો માટે પણ મોડે સુધી ચાલતા કાર્યક્રમો, માઇક, લાઉડ સ્પીકરના ઘોંઘાટ, પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. લાઉડ સ્પીકર પરમિશન લેવાની પ્રથા જાણે બંધ થઇ ગઇ હોય એવું જણાઇ આવે છે. માસ્ક પહેરવું, સામાજિક અંતર રાખવું, સેનિટાઇઝ કરવું વગેરે બાબતો અહીં ભુલાઇ ગઇ છે. ચૂંટણીની આડમાં લોકો ભરપૂર છૂટછાટ લઇ બીજા માટે જોખમરૂપ બની રહ્યા છે.