ખાવડા પોલીસ પર હુમલો કરનારા જુણાના પાંચ આરોપી તડીપાર
ભુજ, તા. 22 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણીની પ્રક્રિયામાં ખલેલ પહોંચાડી શકે તેવા માથાભારે તત્ત્વોને તડીપાર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં જે-તે સમયે ખાવડા પોલીસ પર હુમલા કરનારા જુણાના પાંચ આરોપીઓ સામે પોલીસે પાસાનો શત્ર ઉગામ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નિષ્પક્ષ અને ભયમુક્ત રીતે થાય તે માટે પોલીસ મહાનિરીક્ષક જે. આર. મોથાલિયા, પ. કચ્છ પોલીસ અધીક્ષક સૌરભ સિંઘની સૂચના અનુસાર નાયબ પોલીસ અધીક્ષક જે. એન. પંચાલના માર્ગદર્શન હેઠળ એલસીબી અને ખાવડા પોલીસે જે-તે સમયે પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી ખાવડા પોલીસ પર હુમલો કરનારા સુલેમાન સાધક સમા, સોયબ સુલેમાન સમા, મીઠા મામદ્રીન સમા, સાલે હાસમ સમા તથા હસન હાસમ સમા (રહે. તમામ જુણા, તા. ભુજ) વિરૂદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી કલેક્ટર સમક્ષ મુકતાં જે ગ્રાહ્ય રહેતા વોરંટ ઈશ્યુ થયો હતો. આજે એલસીબીના ઈન્ચાર્જ પી.આઈ. એસ. જે. રાણા, પી.એસ.આઈ. એચ. એમ. ગોહિલ તેમજ ખાવડા પોલીસ મથકના પી.એસ.આઈ. જે. પી. સોઢા અને સ્ટાફ દ્વારા આ વોરંટની બજવણી કરી સુલેમાનને સુરતની લાજપોર, સોયબને અમદાવાદ, મીઠાને વડોદરા, સાલેને રાજકોટની મધ્યસ્થ જેલમાં તેમજ હસનને ભાવનગરની જિલ્લા જેલમાં મોકલવા તજવીજ હાથ ધરી છે.