કચ્છના 19 વર્ષ સુધીનાં બાળકોને કૃમિનાશક ગોળી આપવા ઝુંબેશ

મુંદરા, તા. 22 : પેટમાં ઝીણો દુ:ખાવો થવો, વારંવાર ભૂખ લાગવી, ખાવાનું પૂરતું ખાવા છતાં વજન વધે નહીં, ગળ્યું ખાવાનું બહુ મન થયા કરે, પૂંઠે ખંજવાળ આવવી જેવા લક્ષણોવાળા રોગ કૃમિને નિવારવા માટે દર છ મહિને એક વખત કૃમિનાશક ગોળી બાળકને આપવી અતિ આવશ્યક અને અમૃત સમાન છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટ મુજબ ભારતમાં સૌથી વધુ બાળકોને કૃમિ રોગ થતો હોઈ 2015થી દર વર્ષે ફેબ્રુઆરી અને ઓગસ્ટ માસમાં 1થી 19 વર્ષ સુધીનાં તમામ બાળકોને કૃમિના ચેપથી બચવા આલબેન્ડાઝોલની ગોળી આપવામાં આવે છે. આ ગોળી ચાવીને ખાવાની હોય છે અને ગોળી ચોકલેટ ફ્લેવરમાં હોવાથી બાળકો હોંશે હોંશે ખાય પણ છે. સામાન્ય રીતે બાળકોમાં આ રોગનો પ્રભાવ તાત્કાલિક જોવા મળતો નથી, પરંતુ બાળકોમાં કુપોષણ અને લોહીની ઉણપ થકી તેને હંમેશાં થાક લાગે છે અને તેનાથી બાળકનો સર્વાંગી વિકાસ રૂંધાય છે. આના નિવારણ માટે દર વર્ષે ફેબ્રુઆરી માસમાં આંગણવાડી તથા શાળાઓમાં કૃમિનાશક દવાનો એક ડોઝ બાળકને આપવામાં આવે છે, પરંતુ ચાલુ વર્ષે કોરોનાને કારણે શાળાઓ આંશિક રીતે બંધ છે ત્યારે 22મી ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ઘરે ઘરે 19 વર્ષ સુધીનાં બાળકોને સામાજિક અંતર જાળવીને આશા, આંગણવાડી કાર્યકર તથા આરોગ્ય કાર્યકર દ્વારા આલબેન્ડાઝોલ ગોળી વિનામૂલ્યે આપવામાં આવશે, ત્યારે શિક્ષક અને વાલીઓ સહકાર આપીને આ રાષ્ટ્રીય દિવસને સફળ બનાવે તો તંદુરસ્ત બાળક થકી ઉજ્જવળ ભારતની આશા સાર્થક થઈ શકશે તેવું એક યાદીમાં જણાવાયું હતું. સામાન્ય રીતે ચોમાસાંમાં સહેલાઈથી ફેલાતા કૃમિથી બચવા દવાની સાથે સાથે તેનાથી બચવાના ઉપાયો, જેવા કે નખ નાનાં અને સાફ કરવા, હંમેશાં સ્વચ્છ પાણી પીવું, ખોરાક ઢાંકીને રાખવો, બજારનો ખુલ્લો ખોરાક ન ખાવો, ફળો અને શાકભાજીનો ધોઈને જ ઉપયોગ કરવો, પગરખાં પહેરવાં, ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી, ખુલ્લાંમાં જાજરૂ ન જતાં શૌચાલયનો જ ઉપયોગ કરવો, જમ્યા પહેલાં અને શૌચ પછી સાબુથી હાથ ધોવા પણ ખૂબ જ જરૂરી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer