રસી કોરોનાથી થતાં મોતને ધ્યાને રાખી લેવાની છે, નહીં કે આડઅસર
ભુજ, તા. 22 : કોરોના એટલો ખતરનાક છે કે જીવલેણ થઇ શકે છે. આથી આપણે મોતને ધ્યાને લઇને રસી લેવાની છે, નહીં કે સાઇડ ઇફેક્ટને, એવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું. કોરોના હજુ ઘાતક છે. કેસ ઘટયા છે, મરણ ઘટયા છે. એને લઇ રસી ન લેવી એ ભૂલભરેલું છે. યુરોપ અને ચીનમાં નવા એપિસોડ થયા છે. નવો સ્ટ્રેન આવી જાય તો જાનને ખતરો થઇ શકે છે. આ રસી મરણથી બચાવી શકે છે. ભારતમાં સફળ થઇ છે. વિદેશમાંથી પણ રસી મેળવવા માંગ ઊઠી છે. કોરોનાથી છૂટકારો બે રીતે મળે તેવું કહેતાં ડો. કન્નરે જણાવ્યું કે, એક તો દેશના 70 ટકા લોકોમાં સંક્રમણ ફેલાઇ જાય તો હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થાય પણ હજુ 70 ટકા સુધી ચેપ ફેલાયો નથી. એટલે બીજો રસ્તો સરળ છે તે એ કે દેશના 70 ટકા લોકોને રસી આપી દેવાશે તો વાયરસ શાંત પડશે. પ્રથમ તબક્કામાં હેલ્થકેર વર્કરો માટે વિનામૂલ્યે શરૂ થયેલા રસીકરણમાં મૂંઝવણ મૂકીને 4 હજાર આંગણવાડી સ્ટાફ તથા 1100 જેટલા આશા બહેનોને રસી લેવા હાકલ કરી હતી.