અબડાસા પેટાચૂંટણીનાં અપક્ષ મહિલા દાવેદારની ફોર્મ રદ્દ થવાના મામલે ચૂંટણીપંચમાં ફરિયાદ

ભુજ, તા. 22 : વિસનગર તાલુકા પંચાયતની બેઠકના ચૂંટણી અધિકારી ઉમેદવારના ઉમેદવારીપત્ર માન્ય રાખવા બદલ લાંચ લેતા પકડાયા છે. ત્યારે થોડા સમય પહેલાં કચ્છમાં અબડાસાની પેટા ચૂંટણી વખતે પણ અપક્ષ ઉમેદવારનું ફોર્મ માન્ય કેમ રખાયું ? તેવા સવાલ મોડે મોડે બહાર આવેલી વિગતો પરથી ઊઠી રહ્યા છે. અપક્ષ મહિલા દાવેદારે ચૂંટણીપંચને ફરિયાદ કરી છે કે તેમનું ફોર્મ રદ્દ કરીને ભારોભાર અન્યાય કરવામાં આવ્યો છે. અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણી જ્યારે જાહેર થઈ ત્યારે 16 ઓક્ટોબર સુધી ફોર્મ ભરવાની મુદત આપવામાં આવી હતી. ચૂંટણીપંચના નિયમો પ્રમાણે દાવેદારી નોંધાવવાની છેલ્લી તારીખ હોય ત્યાં સુધી બપોરે ત્રણ વાગ્યે ફોર્મની તમામ અધૂરાશ કે ખૂટતા આધારો પૂરા કરવાના હોય છે, પરંતુ અબડાસા વિધાનસભામાં અપક્ષ ઉમેદવારી કરી ચૂકેલા હનીફ પઢિયારે તો પોતાનું સોગંદનામું બીજા દિવસે 17 તારીખના રાત્રે 8.20 વાગ્યે ચૂંટણી અધિકારીને સુપરત કર્યું હતું. નાયબ કલેક્ટર અને ચૂંટણી અધિકારી પ્રવીણસિંહ જેતાવતે ખુલાસો કર્યો કે નિયમ પ્રમાણે અધૂરાશની પૂર્તતા થઈ છે. બધી જ વિગત ચૂંટણીપંચની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. અપક્ષ ઉમેદવાર પઢિયારના સોગંદનામામાં ભૂલ હતી, જે નિવારવા નોટિસ આપીને જવાબ માગવામાં આવ્યો હતો. તેમણે એટલે જ બીજા દિવસે 17 ઓક્ટોબરના રજૂ કર્યું હતું. આ અપક્ષ ઉમેદવાર હનીફ પઢિયાર પાસેથી બીજા દિવસે એફિડેવિટ લઈને ચૂંટણી અધિકારીએ ફોર્મ માન્ય રાખ્યું છે, તો એ જ દિવસે 16 ઓક્ટોબરના ઉમેદવારી નોંધાવી ચૂકેલા અન્ય અપક્ષ ઉમેદવાર આરતીબેન ગોસ્વામીએ તેમને જાણ કર્યા વગર ફોર્મ રદ્દ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આ તમામ પુરાવાને લઈ આરતીબેને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી, મુખ્ય ચૂંટણી કમિશનરને ફરિયાદ કરી તંત્રના જવાબદારો સામે મહિલા વિરોધી માનસિકતા ધરાવવાનો આક્ષેપ કર્યો હતો. મહિલાઓને રાજકારણમાં જતા અટકાવવા બેવડા નિયમો અખત્યાર કરાયા હોવાનું ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું. જો એક જ વિધાનસભા બેઠક ઉપર પુરુષ અપક્ષ ઉમેદવારનું ફોર્મ માન્ય રખાતું હોય તો આ જ કારણોસર મારું ઉમેદવારીપત્ર કેમ અમાન્ય ગણવામાં આવ્યું છે ? આ મહિલાએ ચૂંટણીના નિયમોનું ખોટું અર્થઘટન કરીને કોઈકને લાભ પહોંચાડવાનો કારસો હોવાનો આક્ષેપ કરીને આ મામલાની તપાસનો આદેશ આપવા માગણી કરી છે. વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવારે હવે કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. એટલે ચૂંટણી વખતની સાંઠગાંઠ હોવાની આશંકા જાય છે. હનીફ પઢિયારના ભાઇને અબડાસા તા.પં.ની ટિકિટ અપાઇ છે અને કોંગ્રેસનો મેન્ડેટ દેવા ખુદ ડો. સેંઘાણી પહોંચ્યા હતા !

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer