પૂર્વ કચ્છમાં બે દરોડા પાડી પોલીસે 2.95 લાખનો શરાબ ઝડપી પાડયો

ગાંધીધામ, તા. 22 : પૂર્વ કચ્છમાં પોલીસે બે જુદા-જુદા દરોડા પાડી રૂા. 2,95,780નો શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો. ગાંધીધામના સેક્ટર 1-એમાં એક રેઢી કારમાંથી રૂા. 1,65,480નો દારૂ જપ્ત કરાયો હતો પણ એકેય આરોપી પકડાયો નહોતો તેમજ રાપરના કીડિયાનગરમાં બીજો દરોડો પાડી રૂા. 1,30,300ના દારૂ સાથે એક શખ્સની અટક કરવામાં આવી હતી. શહેરના સેક્ટર 1-એ વિસ્તારમાં આજે વહેલી પરોઢે પોલીસે છાપો માર્યો હતો. આ વિસ્તારમાં આવેલા કચ્છ ઓટો લિંક બિલ્ડિંગની સામે રહેલી સ્કોર્પિયો કારમાં દારૂ ભરેલો હોવાની પૂર્વબાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. આ સચોટ બાતમી પછી પોલીસ અહીં દોડી આવી હતી અને અંદરથી લોક સ્કોર્પિયો ગાડી નંબર જીજે 12 સીજી 1580ની બહારથી તલાશી લેવામાં આવી હતી. આ કારમાં દારૂ જણાઈ આવતાં તેનો પાછળનો કાચ તોડવામાં આવ્યો હતો. અંદરથી મેકડોવેલ્સ નંબર 1ની 336, રોયલ ચેલેન્જની 24 બોટલ, જ્યુબિલી રેરની 60 બોટલ એમ 750 એમ.એલ.ની 420 બોટલ તથા ટુબોર્ગ બિયરના 144 ટીન એમ કુલ રૂા. 1,65,480નો શરાબ આ વાહનમાંથી જપ્ત કરવામાં આવ્યો હતો, પરંતુ અહીં આ વાહન રેઢું કોણ મૂકી ગયું હતું તે હજુ બહાર આવ્યું નથી. વધુ એક દરોડો કીડિયાનગર ગામના દરબારગઢ વિસ્તાર સામે આવેલા એક મકાનમાં પાડવામાં આવ્યો હતો. સમરથસિંહ જોરૂભા વાઘેલા અને દેવા કરમશી રબારી નામના દારૂ વેચતા હોવાની પૂર્વ બાતમી એલ.સી.બી.ને મળી હતી. પોલીસે જણાવ્યું હતું કે, એક મહિના પહેલાં આ સમરથસિંહ નામનો શખ્સ દારૂના ગુનામાં પકડાયો હતો અને હાલમાં તે જેલમાં છે. બે-ત્રણ મહિના પહેલાં મગાવેલા દારૂ આ દેવા રબારીના કબ્જાના મકાનમાં હતો. દેવા રબારીના મકાનની તલાશી લેવાતાં પાછળના રૂમમાંથી શરાબ નીકળી પડયો હતો. અહીંથી ચેમ્પિયન પાઈનેપલ વોડકા 234 બોટલ, કિંગ્સ ગોલ્ડની 30 બોટલ, રિયર્સની 12 બોટલ, જ્હોની વ્હીસ્કીની 12 બોટલ, એપિસોડની 3 બોટલ, એન.ડી.ની 11 બોટલ, ગોલ્ડ એસ બ્લૂ ફાયરના 190 ક્વાર્ટરિયા, રોયલ સ્પેશિયલના 56 ક્વાર્ટરિયા એમ નાની-મોટી મળીને કુલ 548 બોટલ કિંમત રૂા. 1,30,300નો શરાબ હસ્તગત કરવામાં આવ્યો હતો અને દેવા રબારીની ધરપકડ કરવામાં આવી હતી. બીજો આરોપી સમરથસિંહ જેલમાં હોવાથી તેની અટક બાદમાં કરાશે તેવું પોલીસે જણાવ્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં લાખોનો શરાબ પકડાઈ જતાં રાજકારણીઓ સાથે પ્યાસીઓના મનસુબા ઉપર પોલીસે પાણી ફેરવી દીધું હતું, તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer