કચ્છ એક્સપ્રેસ ચીલઝડપમાં બીજા આરોપીની રાપરથી ધરપકડ

રાપર, તા. 22 : વર્ષ 2017માં વલસાડ પાસે કચ્છ એકસપ્રેસ ટ્રેનમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 16 લાખની રકમની થયેલી ચીલ ઝડપના કેસમાં રાપર પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડયો હતો. આ ઉપરાંત અપહરણના કેસના આરોપીને પણ પાંજરે પૂર્યો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ વલસાડ રેલવે સ્ટેશન ખાતે કચ્છ એક્સપ્રેસ ટ્રેનમા વિષ્ણુ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 16 લાખની મતાની ચીલઝડપ થઈ હતી. આ કેસમાં પૂર્વ કચ્છ એલસીબીએ અંજારના દબડા વિસ્તારમાં રહેતા હરેશ ચંદુભાઈ ગામેચાને ઝડપી પાડયો હતો. તેની પૂછપરછમાં રાપર તાલુકાના ઉમૈયા ગામના જાવેદ આદમ ઘાંચી અને અલ્પેશ ગંગારામ બારોટની સંડોવણીની કબૂલાત આપી હતી. રાપર પોલીસે બાતમીના આધારે આરોપી જાવેદને ઝડપી પાડયો હતો.જયારે બીજા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સગીર યુવતીનું અપહરણ અને પોકસો સહિતની કલમો તળે પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પી.આઈ. જે.એચ. ગઢવીને મળેલી બાતમીના આધારે આરોપી દેવજી હમીર કોલીને કંથકોટ ગામની સીમમાંથી ઝડપી પાડયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer