અંજારમાં છેડતી કરનારાને બે વર્ષની સખત કેદ
ગાંધીધામ, તા. 22 : અંજાર શહેરમાં ત્રણ વર્ષ અગાઉ એક મહિલા સાથે અડપલાં કરી તેની છેડતી કરવાના પ્રકરણમાં એક શખ્સને બે વર્ષની સખત કેદની સજા અને રૂા. 1000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. અંજારમાં રહેનારા અને આ બનાવનો ભોગ બનનાર મહિલાના પતિ કામ ધંધાર્થે બહારગામ હતા ત્યારે જમનશા રહીમશા શેખ નામના શખ્સે આ મહિલા સાથે અડપલાં કરી તેની છેડતી કરી હતી. મહિલાનો પતિ પરત આવતાં મહિલાએ આપવીતી કહી હતી પરંતુ તેનો પતિ માન્યો ન હતો. જેથી કંટાળીને આ મહિલા જમીયતમાં રહેવા ચાલી ગઇ હતી. આરોપીએ ત્યાં જઇ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. વર્ષ 2017માં બનેલો આ બનાવ અંજારની બીજા જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી ગયો હતો. જ્યાં સરકારી વકીલની તર્કબદ્ધ દલીલો ગ્રાહ્ય રાખી આરોપી જમનશાને બે વર્ષની સખત કેદની સજા અને રૂા. 1000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ હિતેશભાઇ ચૌધરી હાજર રહ્યા હતા.