ગાંધીધામમાં આઠ જણે યુવાનને માર્યો માર
ગાંધીધામ, તા. 22 : શહેરની રેલવે કોલોનીમાં તું અહીં કેમ આવે છે તેમ કહી આઠેક શખ્સે એક યુવાનને માર માર્યો હતો. શહેરના ગણેશનગર વિસ્તારમાં રહેનારો ધીરજ સામજી મહેશ્વરી નામનો યુવાન પોતાની મિત્ર બબીતા અશોક મહેરાને મળવા રેલવે કોલોનીમાં ગયો હતો. જ્યાં બબીતાના પાડોશી એવા સચિન રાજપૂત, તેના બે ભાઇ, તેના પિતા અને અન્ય ત્રણથી ચાર શખ્સોએ આ યુવાન સાથે ઝઘડો કર્યો હતો. તું નીચી જાતનો છે, તું અહીં કેમ અવારનવાર આવે છે તેમ કહી તેને લોખંડના પાઇપ, રબ્બરના પાઇપ વડે માર માર્યો હતો. આ યુવાનને જાતિ અપમાનિત કરી તેને માર મારનારા આ શખ્સો વિરુદ્ધ પોલીસે જુદી જુદી કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.