ઇંગ્લેન્ડની ક્લીનસ્વીપ: બીજી ટેસ્ટમાં શ્રીલંકા સામે 6 વિકેટે જીત
ગોલ (શ્રીલંકા), તા.25 : ચમત્કારિક સ્પિન બોલિંગ અને બાદમાં લડાયક બેટિંગથી પ્રવાસી ઇંગ્લેન્ડની ટીમે બીજા ટેસ્ટમાં 6 વિકેટે જીત હાંસલ કરીને ગૃહ ટીમ શ્રીલંકા સામે 2-0થી કલીનસ્વીપ કરી છે. આજે મેચના ચોથા દિવસે શ્રીલંકાની ટીમનો બીજા દાવમાં 126 રનમાં નાટકીય ધબડકો થયો હતો. આથી ઇંગ્લેન્ડને જીત માટે 164 રનનું વિજય લક્ષ્યાંક મળ્યું હતું. જે તેણે 43.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને કરી લીધું હતું. આજે મેચના ચોથા દિવસે બન્ને ટીમની મળીને 1પ વિકેટ પડી હતી. 2-0ની શ્રેણી જીતથી ઇંગ્લેન્ડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 60 પોઇન્ટનો વધારો કર્યો છે. તેના હવે 17 મેચના અંતે 412 પોઇન્ટ થયા છે અને ચોથા નંબર પર યથાવત છે. ભારત સામેની ચાર ટેસ્ટની શ્રેણી પૂર્વેનો ઇંગ્લેન્ડનો વિજય મહત્વપૂર્ણ છે. બીજા દાવમાં ઇંગ્લેન્ડ તરફથી ઓપનર ડોમ સિબલેએ 144 દડામાં પ6 રનની અણનમ ઇનિંગ રમી હતી. જયારે વિકેટકીપર જોસ બટલરે 48 દડામાં આક્રમક અણનમ 46 રન 7 ચોકકાથી કર્યાં હતા. આ બન્ને વચ્ચે પાંચમી વિકેટમાં 7પ રનની અતૂટ અને વિજયી ભાગીદારી થઇ હતી. પહેલા દાવમાં 186 રન કરનાર ઇંગ્લીશ કપ્તાન જો રૂટ બીજા દાવમાં 10 રને આઉટ થયો હતો. શ્રીલંકન સ્પિનર લસિથ એમ્બુલદેનિયાએ 3 વિકેટ લીધી હતી. મેચમાં તેની કુલ 10 વિકેટ થઇ હતી.