આઈપીએલ : ઘરેલુ ખેલાડીઓ માટે છેલ્લી તક

અમદાવાદ, તા. 2પ : આઇપીએલની 14મી સિઝન પૂર્વે ખેલાડીઓનું મિની ઓકશન ફેબ્રુઆરીમાં થવાનું છે. એવામાં ડોમેસ્ટિક ક્રિકેટરો પાસે સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીના નોકઆઉટ મેચોમાં પ્રભાવ છોડવાનો આખરી મોકો છે. આવતીકાલ મંગળવારથી અહીંના નવા અને અદ્યતન મોટેરા સ્ટેડિયમમાં નોકઆઉટ રાઉન્ડના મેચો શરૂ થઇ રહ્યા છે. આ મેચના શાનદાર દેખાવથી કેટલાક ડોમેસ્ટિક ક્રિકેટરોની કિસ્મત પલટી શકે છે. અહીંના સારા દેખાવથી તેમને આઇપીએલમાં મોટા કરાર મળી શકે છે. એક તરફ કર્ણાટકની નજર ખિતાબ બચાવવા પર હશે તો કવાર્ટર ફાઇનલમાં પહોંચેલી બાકીના સાત ટીમ પણ ટ્રોફી જીતવા જોરદાર લડત આપવા તૈયાર છે. આવતીકાલે પહેલા કવાર્ટર ફાઇનલમાં ચેમ્પિયન કર્ણાટક સામે પંજાબ હશે. પંજાબની ટીમે એલિટ એ ગ્રુપમાં તમામ પાંચ મેચ જીતીને નોકઆઉટમાં જગ્યા પાકી કરી હતી. કર્ણાટક આ જ ગ્રુપમાં બીજા સ્થાને હતું. બીજો કવાર્ટર ફાઇનલ પણ આવતીકાલ 26મીએ રમાશે. જે રાત્રી મેચ હશે. જેમાં તામિલનાડુની ટક્કર હિમાચલ પ્રદેશ સામે થશે. તામિલનાડુનો ઓપનર એન જગદીશન ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 31પ રન કરી ચૂકયો છે. સુકાની દિનેશ કાર્તિકના દેખાવ પર પણ નજર રહેશે. વડોદરાની ટીમ બુધવારે હરિયાણા સામે રમશે. જેમાં વડોદરાને હાર્દિકની સેવા મળશે નહીં. આથી કુણાલ પંડયા પર વધુ દારોમદાર રહેશે. તે વડોદરાનું સુકાન સંભાળી રહ્યો છે. હરિયાણા પાસે ચહલ અને રાહુલ તેવટિયા જેવા ટી-20ના સ્પેશ્યાલિસ્ટ ખેલાડી છે. ચોથો કવાર્ટર મેચ રાજસ્થાન વિ. બિહાર વચ્ચે રમાશે. મોટેરા સ્ટેડિયમની નવી પિચ કેવો વ્યવહાર કરે છે તેના પર પણ વિશેષજ્ઞોની નજર રહેશે. કારણ કે અહીં ઇંગ્લેન્ડ સામેના બે ટેસ્ટ મેચ રમવાના છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer